ભરૂચ: દૂધધારા ડેરીની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું, સાંસદ મનસુખ વસાવાએ ભાજપ જિલ્લા પ્રમુખ પર સાધ્યું નિશાન?


સમીર પટેલ, ભરૂચ
ભરૂચની દૂધધારા ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને એક પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. આ પત્રમાં સાંસદ મનસુખ વસાવાએ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ પ્રકાશ મોદી પણ પક્ષના જૂના કાર્યકરોની અવગણના કરીને ખોટા અને ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. સાંસદના આ પત્રથી ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
*સાંસદનો આક્ષેપ : “મારુતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી”* સાંસદ મનસુખ વસાવાએ પોતાના પત્રમાં વર્તમાન પ્રમુખને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના સમયગાળા દરમિયાન પક્ષના જૂના અને સંઘર્ષમાં કામ કરનારા લોકોની અવગણના કરીને બીટીપીમાંથી આવેલા લોકોને મહત્વના પદો આપવામાં આવ્યા હતા. તેજ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. મનસુખ વસાવાએ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા પ્રકાશ દેસાઈનું નામ આપીને કહ્યું કે, પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ પણ ડેરીમાં આપતા નથી. અને ખોટી રીતે રાજકીય વગનો ઉપયોગ કરીને ઉમેદવારી કરી છે. પત્રમાં તેમણે વધુમાં લખ્યું છે કે, આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે? તે તો આવનારો સમય જ બતાવશે. તેમણે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આક્ષેપ પણ કર્યો.
*સાંસદે ઝઘડિયા APMC મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી :* સાંસદ મનસુખ વસાવાએ પક્ષની પરંપરા વિરુદ્ધ જઈને ઝઘડિયા APMCનું માળખું મનમાનીથી બનાવવામાં આવ્યું હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ જિલ્લામાં કે પ્રદેશમાં કોઈને પણ પૂછ્યા વગર APMCનું માળખું બનાવી દીધું, જે પાર્ટીની પરંપરા વિરુદ્ધ છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે, ખરેખર તો આ મુદ્દે જિલ્લા સંકલનમાં ચર્ચા થવી જોઈતી હતી. સાંસદે પત્રના અંતમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને જૂના કાર્યકર્તાઓની અવગણના ન કરવા અને મહત્વના નિર્ણયો લેતા પહેલા જિલ્લા સંકલનને વિશ્વાસમાં લેવાની સલાહ આપી છે. આ પત્રથી ભરૂચ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને દૂધધારા ડેરીની ચૂંટણી વધુ રસપ્રદ બની છે.




