વર્ષ 2017-18ના પૂર અસરગ્રસ્ત ખેડૂતોને પાકવીમાની રકમ ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

6 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે 2017-18ના ખરીફ પાકમાં થયેલા નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે SBI ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે તે લાયકાત ધરાવતા 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવે. આ કુલ રકમ 7 કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે.
આ કેસમાં સરકારે એક કમિટીની રચના કરી હતી, જેણે ખેડૂતોને થયેલા નુકસાનની તપાસ કરી હતી. કમિટીના રિપોર્ટમાં ખેડૂતોને વળતર ચૂકવવાની ભલામણ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ રિપોર્ટને માન્ય રાખીને વીમા કંપનીના વાંધાઓને ફગાવી દીધા છે.
વીમા કંપનીએ દાવો કર્યો હતો કે સરકાર સાથે થયેલા કરાર મુજબ તે આ ચૂકવણી માટે જવાબદાર નથી. જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાનિ ન થવી ન જોઈએ. અદાલતે કહ્યું કે ખેડૂતોએ સમયસર પ્રીમિયમ ભર્યું છે અને તેમને વીમાનો લાભ મળવો જ જોઈએ.
આ ચુકાદાથી જે ખેડૂતોએ વ્યક્તિગત રીતે પોતાના દાવા રજૂ કર્યા હતા, તેમને પણ હવે દાદ માગવાનો વિકલ્પ ખુલ્લો થયો છે. આ ચુકાદાને કારણે રાજ્યના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને આશા રાખવામાં આવી રહી છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં ખેડૂતોને ન્યાય ઝડપથી મળશે.
લાયક ખેડૂતોને જુલાઇ 2023થી બેંક વ્યાજ સાથે વીમા સહાયની ચૂકવણી કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે થયેલી સુનાવણીમાં હુકમ કરવામાં આવ્યો છે. આ પૂર્વે 7 ઓક્ટોબર 2020 ના રોજ SCA/19390/2018 માં ખેડૂતોને વીમા ચૂકવણીની પ્રક્રિયા ત્રણ મહિનામાં પૂરી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
જે ખેડૂતોના નામ સરકાર દ્વારા સુપરત કરવામાં આવેલા 11 જુલાઇ 2023ના રિપોર્ટમાં ન હોય એવા ખેડૂતો સક્ષમ અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે એ મુજબનું અવલોકન પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ દ્વારા કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ગુજરાતમાં પૂરની પરિસ્થિતિને પગલે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું. જેમાં વીમા કંપની દ્વારા વીમાની રકમની ચૂકવણી ન કરતા ગુજરાતના અન્ય ખેડૂતો સહિત સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા નામદાર હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરવામાં આવી હતી. ખેડૂતો તરફથી આ કેસમાં સુબોધ કુમુદ & એડવોકેટ સંગ્રામ ચિનપ્પા એ દલીલો કરી હતી.




