શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની માઈક્રોબાયોલોજીની વિદ્યાર્થીની વિભૂતિબેન પટેલે યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન સાથે બે ગોલ્ડ મેડલ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના દૂરંદેશીપુર્ણ માર્ગદર્શનથી ધરમપુરમાં કાર્યરત વિજ્ઞાન પ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ઉચ્ચ શિક્ષણ સ્તર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. દર વર્ષે સુંદર પરિણામો મેળવતી આ કોલેજની યશ કલગીમાં એક નવું પીછું ઉમેરાયું છે. આ વર્ષે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના 57 મા પદવીદાન સમારોહમાં શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની માઇક્રોબાયોલોજી શાખામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિભૂતિબેન એમ. પટેલને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તેમજ વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડાના હસ્તે હરિ ઓમ આશ્રમ પ્રેરિત “ડૉ. મીનુ પરબીયા ગોલ્ડ મેડલ” તેમજ “અંબા બા અંબેલાલ વશી ગોલ્ડ મેડલ” એમ બે પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલથી નવાજવામાં આવી.
આ પ્રસંગે વિદ્યાર્થીની વિભૂતિબેન પેટેલે કહ્યું કે આ સિદ્ધિનું શ્રેય તે પોતાના પરિશ્રમ સાથે જ તેના પરિવારને અને શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠના પ્રોત્સાહક વાતાવરણ તથા અધ્યાપકોએ ઉઠાવેલી જહેમતને આપે છે. વધુમાં આ મેડલ સમાજહિત માટે સંશોધન કરવાના તેના સપના પ્રત્યે તેને વધુ પ્રતિબધ્ધ બનાવશે એમ પણ જણાવ્યું.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા કારકિર્દી સેમિનાર, ઇન્ડસ્ટ્રી વિઝિટ, ઇન્ટર્નશીપ, પ્લેસમેન્ટ માટેની તાલીમ, વગેરેનું આયોજન કરવામાં આવે છે. સાથે જ તેમને રોજગારની યોગ્ય તક મળી રહે તે હેતુથી કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે વાપી, વલસાડ અને દમણની કેમિકલ અને ફાર્માસ્યુટીક્લ ક્ષેત્રે નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો અને તેમાં વિભૂતિબેન પેટેલને એક પ્રસિદ્ધ કંપનીમાં આર એન્ડ ડી ઓફિસર તરીકે પ્લેસમેન્ટ મળ્યું છે.
વિભૂતિબેન પેટેલના પ્રોફેસરોએ કહ્યું કે વિભૂતિબેન પેટેલે મેળવેલ સિધ્ધિએ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની સાથે જ સમગ્ર વલસાડ જિલ્લાને પણ ગૌરવ અપાવ્યું છે. સાથે જ તેઓએ તેની ભવિષ્યની સંશોધન યાત્રા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.