મહીસાગર જિલ્લામાં ‘ઉલ્લાસ’ સાક્ષરતા અભિયાનની ગતિ તેજ: કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લીંબોદ્રામાં લાભાર્થીઓ સાથે સાધ્યો સીધો સંવાદ

મહીસાગર જિલ્લામાં ‘ઉલ્લાસ’ સાક્ષરતા અભિયાનની ગતિ તેજ: કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લીંબોદ્રામાં લાભાર્થીઓ સાથે સાધ્યો સીધો સંવાદ
**
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં નિરક્ષરતા નાબૂદીના સંકલ્પ સાથે કાર્યરત “ઉલ્લાસ” નવભારત સાક્ષરતા અભિયાનની પ્રગતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લુણાવાડા તાલુકાના લીંબોદ્રા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સાક્ષરતા કેન્દ્રો પર જઈને ચાલી રહેલી શૈક્ષણિક કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચાડવાના ઉમદા હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનની અસરકારકતા ચકાસવા કલેક્ટરશ્રીએ સ્થળ પર જઈ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


લીંબોદ્રા ગામની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ કેન્દ્રમાં અભ્યાસ કરી રહેલા વયસ્ક ભાઈઓ અને બહેનો સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી. તેમણે લાભાર્થીઓને મળી રહેલા શિક્ષણની ગુણવત્તા, શીખવવાની પદ્ધતિ અને તેમને પડતી મુશ્કેલીઓ વિશે વિગતવાર પૃચ્છા કરી હતી. શિક્ષણ મેળવી રહેલા ગ્રામજનોએ પણ કલેક્ટરશ્રી સમક્ષ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન થકી હવે તેઓ વાંચન, લેખન અને પાયાના ગણન જેવી બાબતો આત્મવિશ્વાસ સાથે શીખી રહ્યા છે.
ગ્રામીણ વિસ્તારમાં જોવા મળેલા શિક્ષણ પ્રત્યેના ઉત્સાહની સરાહના કરતા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જણાવ્યું હતું કે, જિલ્લામાં સાક્ષરતાનો દર વધારવા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. તેમણે તમામ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી દરેક નિરક્ષર નાગરિકને જ્ઞાનનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. “ઉલ્લાસ” અભિયાન હેઠળ પ્રગટેલી જ્ઞાનની આ જ્યોત મહીસાગર જિલ્લાને સંપૂર્ણ સાક્ષર બનાવવા તરફ મહત્વનું કદમ સાબિત થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.




