
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
🚩 પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજાના વિહારથી મુન્દ્રા બન્યું ધર્મમય!
તપગચ્છ જૈન સંઘના આંગણે ત્રણ દિવસ ‘પુણ્યની સુરક્ષા’ પર વહે્યો અમૃતવાણીનો ધોધ
મુન્દ્રા, તા. ૧૦: કચ્છના મુન્દ્રા ખાતે શ્રી તપગચ્છ જૈન સંઘના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયને આંગણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજાની ત્રણ દિવસની ધર્મમય સ્થિરતા યોજાઈ હતી. આચાર્ય ભગવંતની અમૃતવાણીનો લાભ લેવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
હાઉસફુલ આરાધના ભવનમાં પુણ્યનો મહિમા:
આચાર્ય ભગવંતની હાજરીમાં દરરોજ સવારે ૭:૩૦ વાગ્યે આરાધના ભવન શ્રોતાજનોથી સંપૂર્ણપણે હાઉસફુલ રહેતું હતું. પૂજ્યશ્રીએ પોતાની ઓજસ્વી વાણીમાં જીવનના ગહન સત્યો સમજાવતા જણાવ્યું હતું કે, “પુણ્ય તમને સુરક્ષાની ગેરંટી આપે છે, જ્યારે રૂપિયા તમને સુરક્ષાની ગેરંટી આપતા નથી. પુણ્ય ક્યાંય વેચાતું મળતું નથી, છતાં લોકો રૂપિયા પાછળ પાગલ કેમ થાય છે, તે સમજાતું નથી.”
તેમણે શ્રોતાઓને લાખ ડોલરનો ગંભીર પ્રશ્ન પૂછ્યો હતો કે, “તમારી જાતને પૂછજો! માનવ ભવ વારંવાર મળતો નથી, તેને પાણીની જેમ વેડફી ન નાખો. માટે આવતા ભવનો વિચાર કરો અને પુણ્યનું ભાથું બાંધો. પુણ્ય જ તમારી સાથે ચાલશે, રૂપિયા તમારી સાથે ચાલશે નહીં.”
આવા અનેક સચોટ દૃષ્ટાંતો અને માર્મિક વાતોથી પૂજ્યશ્રીએ ભાવિકોને જકડી રાખ્યા હતા, જેના પરિણામે ત્રણેય દિવસના પ્રવચનમાં એક પણ શ્રોતા વચ્ચેથી ઊભા થયા નહોતા.
સંઘ દ્વારા ભાવવાહી અનુમોદના:
આચાર્ય ભગવંતે મુન્દ્રા પ્રત્યે જે લાગણી દર્શાવી હતી, તેની તપગચ્છ જૈન સંઘના હોદ્દેદારોએ વારંવાર અનુમોદના કરી હતી. સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ વિનોદભાઈ ફોફડીયા, અને ભોગીભાઈ મહેતાએ આચાર્ય ભગવંતને વિનંતી કરી હતી કે તેઓ મુન્દ્રાને ક્યારેય ભૂલશે નહીં.
વિહાર સેવકોનું સમર્પણ:
આચાર્ય ભગવંતના વિહારને સફળ બનાવવા માટે વિહાર ગ્રુપના કેપ્ટન હાર્દિક સંઘવીએ જહેમત ઉઠાવી હતી. વિહાર સેવક તરીકે રોહિત મહેતા, રિતેશ પરીખ, મહેક મહેતા, કાંતિલાલ મહેતા અને સાગર મહેતાએ સેવા આપી હતી. આ માહિતી વિહાર સેવક વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું હતું.
પૂજ્ય આચાર્ય ભગવંતના આગમનથી મુન્દ્રા જૈન સંઘમાં ધર્મ પ્રત્યે ઉત્સાહ અને આરાધનાનો માહોલ સર્જાયો હતો.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




