પાનોલીની GRP કંપનીમાં કામદારનું રહસ્યમય મોત:પરિવારજનોએ પેનલ પીએમની માંગ કરી, પોલીસ તપાસ શરૂ


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. આ ઘટના બાદ પરિસ્થિતિ તંગ બની હતી અને મૃતકના પરિજનોએ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી.
ઉમરવાડા ગામના રહેવાસી મનહર મેલા વસાવા જીઆરપી લિમિટેડ કંપનીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા, જેથી તેમને તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં ઉમરવાડા ગામના રહીશો અને પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. પરિવારજનોએ સ્પષ્ટ માંગ કરી હતી કે જ્યાં સુધી કંપની તરફથી લેખિત બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
આ દરમિયાન એવી પણ ચર્ચા હતી કે કામદારનું મોત ખેંચ આવવાથી થયું હતું, પરંતુ પરિવારજનોએ આ વાતનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે મનહરભાઈને અગાઉ આવી કોઈ બીમારી નહોતી. પાનોલી પોલીસે સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
 
				





