
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
સક્સેસ સ્ટોરી RBSK ટીમ મુંદરા :
❤️ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ : હૃદયના કાંણાની વિનામૂલ્યે સર્જરીથી નાયરાને મળ્યું નવું જીવન!
મુંદરા,તા.11: સરકાર દ્વારા સંચાલિત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ જન્મજાત ખામીઓ ધરાવતા બાળકોને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે, જેનો ઉત્તમ દાખલો તાજેતરમાં મુંદરા તાલુકાના ગોયરસમા ગામમાં જોવા મળ્યો છે. ગોયરસમા ગામની 9 માસની બાળકી નાયરા જગદીશભાઈ આયડીને હૃદયમાં કાણું (Congenital Heart Disease – CHD) હોવાથી તેની સમગ્ર સર્જરી અને સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી છે.
તારીખ 20-02-2025 ના રોજ જન્મેલી નાયરાની તબિયત સારી ન જણાતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી અને મુંદરાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતોના માર્ગદર્શન હેઠળ કાર્યરત RBSKની ટીમે બાળકીના ઘરે મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસમાં હૃદયની તકલીફ જણાતાં ટીમે તુરંત સંદર્ભ કાર્ડ ભરીને પરિવારને અદાણી હોસ્પિટલ ભુજ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે જવા માટે સમજાવ્યું હતું.
યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બાળકીના જરૂરી રિપોર્ટ બાદ તેને હૃદયમાં કાણું હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક તારીખ 4-11-2025 ના રોજ ઓપરેશન કરીને ક્ષતિ દૂર કરી હતી. સારવાર બાદ નાયરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હાલમાં તે તદ્દન નોર્મલ જીવન જીવી રહી છે.
નાયરાની માતા જીગ્નાબેને આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર સારવાર અને ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે ખૂબ જ સરસ સારવાર મળી અને ઓપરેશન બાદ નાયરાના વજન અને તંદુરસ્તીમાં સુધારો થયો છે.” તેમણે અન્ય ખામી ધરાવતા બાળકોના માતા-પિતાને પણ આ યોજનાનો લાભ લેવા અને ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મુંદરાની RBSK ટીમના ડો. સુહાના મિસ્ત્રી, ડો. રાજ શાહ, ફાર્માસિસ્ટ વિપુલ સોરઠીયા, આરોગ્ય કાર્યકર કરુણાબેન ચાવડા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સાહીલ રાણા તથા ગામના આશા કાર્યકર આશાબેન સોઢાએ જહેમત ઉઠાવી હતી એવું આરોગ્ય સુપરવાઇઝર પ્રકાશ ઠક્કરે એક યાદીમાં જણાવ્યું હતું.
📢 ખાસ નોંધ: RBSK યોજના વિશે જાણો
આ સફળતા દર્શાવે છે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) એ દેશમાં 0 થી 18 વર્ષ સુધીના બાળકોમાં જન્મજાત ખામીઓ, રોગો, ઉણપ અને વિકાસમાં વિલંબ સહિતની 30 જેટલી નિર્દિષ્ટ સ્વાસ્થ્ય સમસ્યાઓની તપાસ, નિદાન અને વિનામૂલ્યે સારવાર માટેની એક મહત્વપૂર્ણ સરકારી પહેલ છે. જે પણ બાળકોમાં ગંભીર ખામી જણાય તો તેમના વાલીઓએ તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આંગણવાડીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ લેવો જોઈએ જેથી તેમના બાળકને વિનામૂલ્યે અને સમયસર સારવાર મળી શકે. એવું RBSK ટીમ મુંદરાના ડો. સુહાના મિસ્ત્રીએ એક યાદીમાં જણાવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




