
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગરના સાંસ્કૃતિક શનિવારના કાર્યક્રમે શિક્ષણ અને સંસ્કૃતિના એક અનોખા મિલનની સાક્ષી પૂરી હતી. વિસનગરની બી.એડ. કોલેજના ૬૦ જેટલા ઉત્સાહી તાલીમાર્થી ભાઈઓ અને બહેનોએ તેમના અધ્યાપકો સાથે વડનગરની ઐતિહાસિક ભૂમિની મુલાકાત લીધી હતી.આ ભાવિ શિક્ષકોના સમૂહે વડનગરની સમૃદ્ધ હેરિટેજ વોક દ્વારા શહેરના ભવ્ય ભૂતકાળને ઉજાગર કરતા સ્મારકોની રસપ્રદ ગાથા જાણી હતી એટલું જ નહીં, તેઓએ પ્રેરણા સંકુલની મુલાકાત લઈને મૂલ્ય આધારિત શિક્ષણના સિદ્ધાંતો અને પદ્ધતિઓથી પણ પરિચય કેળવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત, પરંપરાગત વાદ્યો વાંસળી અને રાવણ હથ્થા જેવાં આપણાં પરંપરાગત વાદ્યોની કલાનું સુંદર પ્રદર્શન માણ્યું હતું. આ સાથે, પ્રાચીન મનોરંજન કળાના પ્રતીક સમાન જાદુના શોએ આશ્ચર્ય અને રોમાંચની લાગણી જન્માવી હતી.
કાર્યક્રમના અંતે યોજાયેલા સાહિત્યિક સંવાદમાં આપણી અમૂલ્ય સાહિત્યિક વિરાસત – દુહા, છંદ અને લોકગીતો – ની સમજણ મેળવી હતી. આ અનુભવે તાલીમાર્થીઓને વડનગરની ઐતિહાસિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ધરોહરથી એકસાથે પરિચિત કર્યા હતા જે તેમના ભાવિ શૈક્ષણિક જીવનમાં એક નવો પ્રેરણા સ્ત્રોત બની રહેશે.




