
રાજપીપલામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયેલ રેલીને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પ્રસ્થાન કરાવ્યું
મહિલાઓનો સામાજિક, આર્થિક તેમજ સર્વાંગી વિકાસ થાય તે માટે દર વર્ષે તા. ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામા આવે છે: ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ
જુનેદ ખત્રી : રાજપીપલા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિને વંદન કરવા તથા મહિલા ઉત્કર્ષ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણીનો શુભારંભ કરાયો છે. ત્યારે ૧લી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ નર્મદા જિલ્લામાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. અને લોકો જાગૃતિનો સંદેશ નગરમાં પ્રસરાવ્યો હતો.
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ‘નારી વંદન ઉત્સવ’ ૨૦૨૪ ની સાપ્તાહિત ઉજવણીના પ્રથમ દિવસની ‘મહિલા સુરક્ષા દિવસ’ થીમ સાથે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે રાજપીપલાના સૂર્ય દરવાજાથી બજાર પેટ્રોલપંપ રાજપીપલા સુધી યોજાયેલી જનજાગૃતિ રેલીને ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે લીલીઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો. નર્મદા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી જે.બી.પરમાર અને નાયબ પોલીસ અધિક્ષક પી.આર. પટેલે પણ ભાગીદારી નોંધાવી હતી. આ રેલી સૂર્ય દરવાજાથી પ્રારંભ થઈ બજાર પેટ્રોલપંપ રાજપીપલા ખાતે સંપન્ન થઈ હતી.
આ પસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રાજ્ય સહિત નર્મદા જિલ્લાની મહિલાઓનો સામાજિક, આર્થિક તેમજ સર્વાંગી વિકાસ થાય, જિલ્લાની મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબન અને ઉત્સાહભેર જીવન જીવે તે માટે દર વર્ષે તા. ૧ થી ૮ ઓગસ્ટ-૨૦૨૪ દરમિયાન અલગ અલગ થીમ સાથે નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી કરવામા આવે છે. ત્યારે આ વર્ષે ‘મહિલા સુરક્ષા દિવસ-, બેટી બચાવો- બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની તબક્કાવાર જિલ્લામાં ઉજવણી કરવામા આવનાર છે.
આ રેલીમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ-DLSS ની દીકરીઓ, ૧૮૧ ટીમ અભયમ, પોલીસના જવાનોએ પ્લે કાર્ડ, બેનર્સ તેમજ સુત્રોચાર થકી નારી શક્તિને બિરદાવવા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિના સફળ પ્રયાસ કર્યો હતો. બીજી તરફ નગરજનોએ આ રેલીનો ઉમળકાભેર આવકાર આપ્યો હતો.





