મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇડરમાં બાળ ગોપાલ બચત બેંકની મુલાકાત લીધી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇડરમાં બાળ ગોપાલ બચત બેંકની મુલાકાત લીધી
****
બાળકોમાં સંસ્કારનું સિંચન તેમજ પૈસાની બચત કેળવાય તે માટે બાળ ગોપાળ બેન્ક એક સરહાનીય પ્રયાસ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
***
બાળ ગોપાળ બચત બેન્કનાં 21 હજાર બાળકો દ્વારા રૂ.22 કરોડની બચત કરાઈ
***
સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઊજવાયો હતો.
સાબરકાંઠા જિલ્લા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈડર સ્થિત બાળ ગોપાળ બચત બેંકની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બાળકોમાં સંસ્કારનું સિંચન તેમજ પૈસાની બચત કેળવાય તે માટે બાળ ગોપાળ બેન્ક સરહાનીય પ્રયાસ છે. યોગ્ય આયોજન, સમયદાન અને નૈતિકતા થકી જ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ શક્ય છે. કોઈ પણ વસ્તુ જોઈને શીખવીએ બાળકનો સહજ સ્વભાવ છે. આ બાળ બેન્ક થકી બાળકમાં પૈસાની બચત અંગે ગુણ વિકસ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પેડ માં કે નામ મહા અભિયાન ચલાવી રહ્યા છે. જેનો ઉદ્દેશ વધુમાં વધુ વૃક્ષો વાવીને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો અંત લાવવાનો છે. આ મહાઅભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ઉપસ્થિત સૌને વૃક્ષ વાવવા અંગે જણાવ્યું હતું. સાથે જ દરેક ખેડૂત મિત્રો પોતાના ખેતરના નાના ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા તથા જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે અંગે ભાર મૂક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇડર તાલુકામાં આવેલી દેશની પ્રથમ બાળ ગોપાળ બચત બેંક બાળ સભાસદો દ્વારા ચાલે છે. આ બાળ બેંકમાં ૨૧ હજાર બાળકો થકી ૨૨ કરોડની બચત કરાઇ છે.
ઈડર ખાતે વર્ષ ૨૦૦૯માં બાળ ગોપાળ બચત બેન્ક શરૂ કરવામાં આવી હતી. બાળક જન્મે ત્યારથી અઢાર વર્ષ સુધીનાં બાળકો આ બાળ ગોપાળ બચત બેન્કમાં સભાસદ બની શકે છે.
બાળ ગોપાળ બચત બેન્ક ઈડરના સંસ્થાપક શ્રી અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે બેંકમાં સભાસદ બાળકનું ખાતું ખોલી બેંકનો સ્ટાફ ઘરે પહોંચી બેંકની બચત પેટી બાળકોને આપતાં હોય છે. બચત પેટીમાં બાળકો પોતાના પરિવારજનો પાસેથી મળતા પોકેટ મની અને મહેમાનોએ આપેલ રકમ બચત પેટીમાં નાખતા હોય છે. દર મહીને બેન્કનો સ્ટાફ બાળકના ઘરે કે શાળાએ પહોંચી બચત પેટીમાં ભેગી થયેલ નાની નાની રકમ બેન્કમાં જમા કરતા હોય છે. બાળક અઢાર વર્ષનો થાય ત્યારે પૈસા ઉપાડી શકે છે.
મુખ્યમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન બાળ ગોપાળ બચત બેંક દ્વારા બાળક દીઠ એક રૂપિયો એમ ૨૧ હજારની રાશિ કન્યા કેળવણી નિધિ માટે મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવી હતી. તેમજ બાળ બેંક દ્વારા ૨૧ હજાર બાળકોને ફળાઉ વૃક્ષો આપી એક પેડ મા કે નામ અંતર્ગત બાળક દીઠ એક વૃક્ષ એમ ૨૧ હજાર છોડવાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં બાળ સભાસદ દ્વારા પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, બાળ ગોપાળ બચત બેન્કના ચેરમેન શ્રી અશ્વિનભાઇ પટેલ, વાઇસ ચેરમેન શ્રી કનુભાઈ પટેલ, કલેક્ટર શ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, અન્ય અગ્રણીશ્રી તેમજ બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
જયંતિ પરમાર સાબરકાંઠા