
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
સરકારની બેવડી નીતિ : કમાવવા આવતા બિનકચ્છીઓને સોનાનો થાળ (નવી બસો) અને સ્થાનિક વિદ્યાર્થીઓ ઘંટી ચાટે છે.
મુંદરા,તા.2 : કચ્છ જિલ્લાના ગામડાંઓમાં આજે પણ ઉચ્ચ અભ્યાસની સુવિધાઓનો અભાવ છે. બાળકોને ભણવા માટે તાલુકા મથક કે મોટા ગામોમાં જવું પડે છે. પરંતુ ગામડાંઓમાંથી સરકારી એસ.ટી. બસોની અવરજવર ન હોવાને કારણે વિદ્યાર્થીઓને રોજિંદા અભ્યાસ માટે મોટી તકલીફોનો સામનો કરવો પડે છે.
દસેક વર્ષ પહેલાં જ્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગામડાંઓ સુધી સરકારી એસ.ટી. બસોની સગવડ આપવામાં આવતી હતી. પરંતુ બાદમાં અડધા ભાગના રૂટો બંધ કરી દેતા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.
યુવતીઓ માટે રાજ્ય સરકારે એસ.ટી. બસમાં ફ્રી પાસની સુવિધા આપી છે, જે વખાણવા જેવી બાબત છે. તેમ છતાં, હાલ 90% જેટલા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. થોડા સમય પહેલાં સરકારે કચ્છના દરેક તાલુકામાં બે નવી બસો શરૂ કરવાના સમાચાર જાણવા મળે છે, પરંતુ તે બસો તાલુકા મથકથી અન્ય જિલ્લામાં જવા માટે મુકાઈ છે. જેના કારણે આંતરજિલ્લા મુસાફરોને ફાયદો થયો છે, પરંતુ ગામડાંના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ યથાવત છે.
મુંદરા તાલુકાના રતાડીયા ગામની જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, “એક સમય હતો જ્યારે રતાડીયામાં રોજ 23 બસો આવતી હતી. આજે તેમાંના મોટાભાગના રૂટ બંધ થઈ ગયા છે. જો મુન્દ્રાથી અંજાર જતી બસો રતાડીયા થઈને ચલાવવામાં આવે તો વિદ્યાર્થીઓને સગવડ મળે સાથે જ એસ.ટી. તંત્રને ટોલટેક્સના ખર્ચમાં પણ બચત થાય અને ટિકિટ દરમાં રાહદારીઓને રાહત મળી શકે.”
તાજેતરમાં મુન્દ્રામાં નવી બસો શરૂ કરવામાં આવી ત્યારે સ્થાનિક ધારાસભ્ય ઉદ્ઘાટન પ્રસંગે ફોટો પડાવવા માટે એસ.ટી. ડેપોમાં પહોંચ્યા હતા. ત્યાં હાજર વિદ્યાર્થીઓને બસની સુવિધા અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સત્ય હકીકત એ છે કે જે વિદ્યાર્થીઓને બસોની સગવડ નથી મળતી તેઓ તો એસ.ટી. ડેપોમાં જોવા મળતા જ નથી. તેઓ શાળાઓ-કોલેજોમાં કે પછી પ્રાઇવેટ ટેક્સી અને રિક્ષા સ્ટેન્ડ પર જોવા મળે છે. જો ખરેખર ત્યાં જઈ તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે.
સ્થાનિક વાલીઓએ પણ માંગ કરી છે કે ગામડાંઓમાંથી જે બસ રૂટો અગાઉ ચાલુ હતા, તે ફરીથી શરૂ કરવામાં આવે. લોકોનું કહેવું છે કે, “જિલ્લા બહાર જવા માટે નવી બસો શરૂ થવી સારું છે, પરંતુ વિદ્યાર્થીઓના ભણતરના હિતમાં જો આંતરિયાળ ગામડાં સુધીની બસ સેવા ફરી શરૂ થાય તો ખરેખર કચ્છ માટે મોટી સેવા ગણાશે.”
આ સંદર્ભે સ્થાનિક રહેવાસીઓએ તીવ્ર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “કચ્છમાં કમાવવા માટે આવતા બિનકચ્છી લોકોને માટે સરકાર સોનાનો થાળ (નવી બસો) ધરી આપે છે, જ્યારે કચ્છના જ છાત્રોને અવગણીને અન્યાય કરે છે. ‘આચાર્યને આટો અને ઘરના છોકરા ઘંટી ચાટે’ જેવી કહેવત આજે સાચી સાબિત થઈ રહી હોય એવું લાગે છે.”
આ અંગે આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે સ્થાનિક ધારાસભ્યો અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ મુદ્દે યોગ્ય પગલું ભરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્ત્રી કેળવણી અને શિક્ષણના અભિગમને આગળ ધપાવી કચ્છના વિદ્યાર્થીઓને મદદરૂપ બનશે.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા પ્રકાશ ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)




