
નર્મદા: પોઇચા ગામે નર્મદા નદીના પાણીમાં અચાનક વધારો: NDRF દ્વારા સફળ રાહત-બચાવની મોકડ્રીલ યોજાઈ
ત્રિવેણી ઘાટ વિસ્તારમાં પાણી ભરાવાની પરિસ્થિતિમાં સાત વ્યક્તિનો જીવ બચાવ્યો
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં NDRF દ્વારા વાર્ષિક મોબિલાઇઝેશન એક્સરસાઇઝ વર્ષ-૨૦૨૬ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. કે. મોદી ના માર્ગદર્શન હેઠળ ૬ નંબરની બટાલિયન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), વડોદરા તથા નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા પોઇચા ગામ ખાતે નર્મદા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં રાહત અને બચાવ કામગીરી અંગેની સફળ મોકડ્રીલ યોજાઈ હતી.
ભારે વરસાદ સીનારિયોને ધ્યાને લઈને આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના પોઇચા ગામે નર્મદા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં ત્રિવેણી ઘાટ તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ગામલોકોએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કન્ટ્રોલ રૂમમાં મદદ માટે ફોન કર્યો હતો. જાણ થતાં જ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ પોલીસ ટીમ દ્વારા નાગરિકોને વાહનો મારફતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.
પોઈચા ત્રિવેણી સંગમમાં સાત વ્યક્તિઓ ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા. તેમને બચાવવા માટે વડોદરાની NDRF-6 બટાલિયનની મદદ લેવામાં આવી હતી. NDRFની ટીમ દ્વારા ૩ વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ૪ વ્યક્તિ ઊંડા પાણીમાં ગરકાવ થતાં NDRFના કુશળ ડાઈવર્સે પાણીમાં ઉતરી તેને પણ સફળતાપૂર્વક બચાવી લીધો હતો.
આ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા સ્થાનિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ ૨ વ્યક્તિને વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
ભારે પવન અને સતત વરસાદના કારણે ઘણી દુકાનો, ધર્મશાળાઓ અને જૂના રહેણાંક મકાનો ધરાશાયી કારણે ૦૮ લોકો કાટમાળ નીચે ફસાયા હતાં જેમને NDRFની ટીમ દ્વારા બચાવી લેવાયા હતાં.
આ જ સમયે પોઇચા વિસ્તારમાં પાણી ભરાવા અને પવનના કારણે એક ક્લોરિન ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં ટેન્કરમાંથી ઝેરી ગેસ લીક થવાના કારણે આસપાસના વસવાટવાળા અને યાત્રિકો માટે મોટો ખતરો ઉભો થતા NDRFની ટીમ દ્વારા ૨૨ લોકોને બચાવ કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
વડોદરા NDRF-6 બટાલિયન ટીમના કમાન્ડન્ટ સુરેન્દ્ર સિંહએ જણાવ્યું હતુ કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) હેડક્વાર્ટર દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં એક વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૭ ટીમો ભાગ લીધો છે. વધુમાં જણાવ્યુ કે, નર્મદા જિલ્લાના પોઈચા ખાતે ૧૧ ટીમો દ્વારા ફ્લડ અને રેસ્ક્યુ, મકાન ધરાશાયી અને ઝેરી ગેસ લીક આમ ત્રણેય પ્રકારની મોકડ્રીલ સફળતાપૂર્વક પુર્ણ કરવામાં આવી હતી.
આ સમગ્ર મોકડ્રીલ દરમિયાન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાંથી વિવિધ સંબંધિત વિભાગોને કોલ કરીને તેમનો પ્રતિસાદ સમય (Response Time) ચકાસવામાં આવ્યો હતો. આ મોકડ્રીલ દરમિયાન કોમ્યુનિકેશનના સાધનો વોકિ-ટોકી, સેટેલાઇટ ફોન, મેગાફોન જેવા સાધનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.







