
નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારી, દૂરદર્શન દિલ્હીના ડીજી ડૉ. પ્રિયા કુમારે ટીમ સાથે એકતાનગર પરેડ ગ્રાઉડ ખાતે કાર્યક્રમ સ્થળોનું નિરીક્ષણ કર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી તારીખ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી યોજાનાર છે. જેના મીડિયા કવરેજની પૂર્વ તૈયારીના ભાગરૂપે દૂરદર્શન દિલ્હીના ડાયરેક્ટર જનરલ(ન્યૂઝ) ડૉ. પ્રિયા કુમારે તેમની ટીમ સાથે એકતા પરેડ ગ્રાઉન્ડ, SoU પરિસરમાં થતી પદ પૂજા અને આરંભ કાર્યક્રમ સ્થળ તેમજ ડેમ વ્યુ પોઈન્ટ ખાતે થનારા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી.
આ વિશાળ રાષ્ટ્રીય-રાજ્યસ્તરીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીઓ એકતાનગર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. તે અંતર્ગત આજ રોજ દૂરદર્શન કેન્દ્ર દિલ્હીની ટીમના સભ્યો રિષી કપુર(ડીડીજી), અનુરાજ જૈન(ડાયરેક્ટર ન્યૂઝ) અને પ્રોડ્યુસર નચીકેત, અમિત શર્મા, શિવરાજ લિયાક સહિતનાઓએ નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઈલેક્ટ્રીકલ ઈજનેર અને મંડપ એજન્સી તથા સ્થાનિક SoUના અધિકારીઓ સાથે એકતાનગર ખાતે આવેલા પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમના સ્ટેજ કવરેજ સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ આગમન સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમના તમામ તબક્કાઓ – પરેડ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા માનનીય પ્રધાનમંત્રીનું સંબોધન – કેવી રીતે વધુ અસરકારક રીતે પ્રસારિત થાય તે માટેની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી હતી. કયા એંગલથી કેમેરા ગોઠવવા અને લાઈવ પ્રસારણ વધુમાં વધુ લોકો જોઈ શકે અને પરેડનું આબેહૂબ જીવંત પ્રસારણ જોઈ શકાય તેવી કાર્યયોજના ઘડવામાં આવી હતી.
તદુપરાંત, સરદાર સરોવર નર્મદા ડેમના વ્યુ પોઈન્ટ–૧ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મીડિયા કવરેજ, ટેક્નિકલ વ્યવસ્થા, કેમેરા એન્ગલ તથા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. સમય-સંજોગોને ધ્યાને રાખીને કાર્યક્રમમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે સૂચનો સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યા હતા.




