
નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા ૭૦ ખાનગી વાહનોને ARTO કચેરી દ્વારા ટેક્સી પાર્સિંગમાં ફેરવાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
વિદ્યાર્થીઓને શાળાએ લાવતા-લઈ જતા વાહનોની સલામતી અને નિયમિત સેવાઓ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી વાહનોના કોમર્સિયલ પાર્સિંગ અંગે નવી પહેલ કરી હતી. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં સહાયક પ્રાદેશિક પરિવહનની કચેરી (ARTO) દ્વારા આવા ખાનગી વાહનોને કોમર્શિયલ વાહન તરીકે ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પહેલ અંતર્ગત નર્મદા જિલ્લામાં શાળાના બાળકોનું વહન કરતા ૭૦ વાહનો મારૂતિ વાન, ઈકો, મેજિક વગેરેને નવા શૈક્ષણિક સત્રથી આ ખાનગી વાહનોને કોમર્સિયલ વાહનોમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. જેમાં ટેક્સી કેબ અને મેક્સી કેબનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં ખાનગી વાહનચાલકો દ્વારા પણ પુરતો સહયોગ પુરો પાડી રાજ્ય સરકારના આ બાળકોની સુરક્ષાના અભિગમને સહર્ષ સ્વીકારી પોતાની મક્કમ ભાગીદારી નોંધાવી છે. કોમર્શિયલ રજિસ્ટ્રેશનમાં ફેરવવાના આ નિર્ણયથી આ વાહનો હવે અધિકૃતપણે શાળા સર્વિસ માટે વાપરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાના બાળકોને લઈ જવાના ઉપયોગમાં લેવાતું કોઈપણ વાહન છે તેને નિયમન મુજબ કોમર્શિયલ વિહીકલ તરીકે રજિસ્ટર કરાવવું પડે છે. આ પ્રક્રિયામાં, ARTO કચેરી દ્વારા વાહનની યોગ્ય તપાસ કરીને જે-તે વાહન બાળકોને લઈ જવામાં યોગ્ય અને સુરક્ષિત છે કે નહીં તે નિશ્ચિત કરવા માટે ફિટનેસ ટેસ્ટ પણ લેવામાં આવે છે. સાથે વાહનનું કોમર્શિયલ વીમા કવચ હોવું આવશ્યક છે, જેમાં મુસાફરોની સુરક્ષા માટે કવરેજની સુવિધા ઉપલબ્ધ હોય છે. ડ્રાઈવરને કોમર્શિયલ વાહન ચલાવવાનું લાયસન્સ હોવું જોઈએ, જે ટ્રેનિંગ અને ડ્રાઈવિંગ અનુભવ ધરાવતો હોવો જોઈએ. તેવા તમામ માપદંડોની પણ ચકાસણી કરવામાં આવે છે.




