મહીસાગર ખાતે ” પા પા પગલી ” પ્રોજેક્ટ હેઠળ ભૂલકા મેળો યોજાયો.

મહીસાગર ખાતે “પા પા પગલી” પ્રોજેક્ટ હેઠળ ભૂલકાં મેળો યોજાયો.
આંગણવાડીમાં આવતા બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી
જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો
અમીન કોઠારી મહીસાગર
તા.૨/૧૧/૨૪
આઈ. સી. ડી. એસ શાખા, જિલ્લા પંચાયત મહીસાગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો લુણાવાડા ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત 03 થી 06 વર્ષના બાળકો પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ કરે તે પહેલાં તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી શરૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રની ઉન્નતિ અને વિકાસ માટે બાળકોમાં સારા સંસ્કાર અને સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર એ ભૂલકા મેળાની શુભકામના આપતા જણાવ્યુ હતુ કે, બાળકો દ્વારા રજૂ કરાયેલ ખૂબ જ સુંદર કૃતિઓ જોઈ ખૂબ આનંદ થયો. જિલ્લામાં કોઈ પણ બાળક કુપોષિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કુલ બેગ આપવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ પાંચ સ્ટોલને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ અને જિલ્લા કલેકટર એ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને બાળકોએ અલગ અલગ વેશભૂષા અને કૃતિઓ રજૂ કરી હતી તે નિહાળી હતી.
આ પ્રસંગે આંગણવાડીમાં આવતા બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ભૂલકાં મેળામાં વિજેતા થયેલી કૃતિઓ હવે વડોદરા ખાતે ઝોન કક્ષાના ભૂલકાં મેળામાં રજૂ કરાશે.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવુતિ સમિતિ ચેરમેન મંજુલાબેન કટારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, આઈ સી ડી એસ પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન સહિત બહોળી સંખ્યામાં બાળકોના વાલીઓ તથા આમ નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.



