GARUDESHWARNANDODNARMADA

નર્મદાના એકતાનગર ખાતે સુપ્રિમ કોર્ટના જજ બી.આર.ગવાઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો

નર્મદાના એકતાનગર ખાતે સુપ્રિમ કોર્ટના જજ બી.આર.ગવાઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો

 

આદિવાસીઓના કાનૂની અધિકારો અને કાયદાકીય સશક્તિકરણ તેમજ સરકારી યોજનાઓ અંગે આદિવાસી નાગરિકોને જાગૃત્ત કરાયા

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા સુપ્રિમ કોર્ટના જજ ભૂષણ રામક્રિષ્ના ગવઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો હતો. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (નાલસા) દ્વારા “સૌને ન્યાય” થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસી સમુદાય માટે કાયદાકીય હક્કો અને સરકારી યોજનાઓ અંગે આદિજાતિ નાગરિકોને જાગૃત કરાયા હતા. ન્યાયમૂર્તિગણના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય, લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો અને માર્ગદર્શન એક જ સ્થળેથી સરળતાથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળી રહે તે માટે મેગા લીગલ કેમ્પમાં યોજનાકીય સહાય, પ્રાકૃતિક કૃષિ, શિક્ષણ, આરોગ્ય સહિતના જુદા-જુદા ૧૮ સ્ટોલ્સ ઉભા કરાયા હતા. આ નિદર્શનને જજ બી.આર.ગવાઈએ ખૂલ્લું મૂક્યું હતું. ન્યાયમૂર્તિગણે સ્ટોલ્સનું નિદર્શન નિહાળી સ્ટોલધારકો સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતાં ઉપરાંત, પિંક ઓટો ચલાવીને રોજગારી મેળવી આત્મનિર્ભર બનેલી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.

 

તાજેતરમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે મનોનિત થયેલા સુપ્રિમ કોર્ટના જજ અને નાલસાના એક્ઝિક્યુટીવ ચેરમેન બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે, આપણું બંધારણ સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ છે. સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર છે. રાજકીય, સામાજિક, આર્થિક સમાનતા એ ડો.બાબાસાહેબ આંબેડકરનું વિઝન હતું.

પોતાના કાયદાકીય અધિકારોથી છેવાડાનો દરેક માનવી અવગત થાય અને જરૂરી કાનૂની માર્ગદર્શનથી વંચિત ન રહે, દરેકને કાયદાનું સમાન રક્ષણ મળે તે દિશામાં લીગલ કેમ્પના માધ્યમથી સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવી શ્રી ગવાઈએ કહ્યું કે, લીગલ અવેરનેસ કેમ્પ કેમ્પ એક પુલનું કામ કરે છે, જે સામાન્ય માણસ અને ન્યાયતંત્ર વચ્ચેનું અંતર ઘટાડે છે. દેશના અંતરિયાળ વિસ્તારમાં રહેતા કોઈપણ વર્ગનો નાગરિક ન્યાયથી વંચિત ન રહે તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અમારૂ લક્ષ્ય છે.

 

તેમણે ઉમેર્યું કે, દરેક નાગરિકને સરકારી યોજનાઓનો લાભ મળે અને તેમના હક્કોનું રક્ષણ થાય, આ લક્ષ્યને હાંસલ કરવા માટે નાલસા સતત કાર્યરત છે. આદિવાસી અને ગ્રામીણ સમુદાયોનું કાનૂની સશક્તિકરણ એ પણ અમારી પ્રાથમિકતા છે, જે નાલસા સંવાદ યોજના દ્વારા સાકારિત થઈ રહી છે.

 

દેશને એક અખંડિત કરનાર સરદાર પટેલ સાહેબને વંદન કરતા તેમણે કહ્યું કે, દેશના દરેક રાજ્યની બોલી, ભાષા, સંસ્કૃતિ અને પહેરવેશ જુદા હોય છતાં ભારતની એકતામાં શક્તિ છે. ૧૯૪૭ માં દેશ આઝાદ તો થયો, પરંતુ એકજૂથ ન હતો. એ સમયે સરદાર સાહેબે પોતાની દીર્ઘદ્રષ્ટિથી એક અને અખંડ ભારત રચ્યું. રજવાડાંઓના સફળ વિલીનીકરણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે.

 

 

સુપ્રિમ કોર્ટના જજ અને SCLSC ના ચેરમેન સૂર્યકાન્તે નાગરિકોના બંધારણીય હકોનું રક્ષણ જરૂરી છે, ત્યારે કાનૂની સેવા સત્તા મંડળો હંમેશા નાગરિકોની હકોની રક્ષા માટે મદદરૂપ થઈ રહ્યા હોવાનું જણાવી આદિવાસીઓને પોતાના હકો પ્રત્યે જાગૃત્ત થવા અનુરોધ કર્યો હતો. લીગલ સર્વિસ ઓથોરિટીઝ જનસામાન્ય માટે કાયદાકીય જાગૃતિ અને ન્યાયના અધિકારો સુલભ બનાવવા માટે નિરંતર સક્રિય રહી છે એમ જણાવી તેમણે સ્થાનિક આદિવાસી બોલી, ભાષામાં PLV મારફતે, ઓનલાઇન મોડ્યુલ તથા હેલ્પલાઈન સેવાઓ દ્વારા કાનૂની જાગૃતિ લાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

 

ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસ અને GCLSA ના પેટ્રન ઈન-ચીફ સુનિતા અગ્રવાલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, સૌને સરકારી યોજનાઓના સમાન લાભો મળે, તમામ વર્ગોના હિતો, અધિકારોનું રક્ષણ થાય એ માટે ન્યાયપાલિકા કડીરૂપ છે. ન્યાયતંત્ર પર સામાન્ય લોકોનો ભરોસો હજુ પણ અકબંધ રહ્યો છે, ત્યારે કાનૂની અધિકારો માટે અમે સહાયરૂપ થવા હંમેશા તત્પર છે. આદિજાતિ નાગરિકોનું કાયદાકીય સશક્તિકરણ કરવા માટે ન્યાયપાલિકા તમારા ઘરઆંગણે આવી છે એમ જણાવી તમામ ન્યાયમૂર્તિઓને ગુજરાતની ગરવી ભૂમિ પર આવકાર્યા હતા.

 

 

બોક્ષ

 

નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (નાલસા) શું છે? નાલસા સંવાદ યોજનાનું મહત્વ શું છે?

. . . . . . . . . . . . . . . . . . .

NALSA (નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી) ની સ્થાપના લીગલ સર્વિસ ઓથોરિટીઝ એક્ટ-૧૯૮૭ હેઠળ ૧૯૯૫ માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગો, જેમ કે ગરીબ, મહિલાઓ, બાળકો, અનુસૂચિત જાતિ/જનજાતિ અને અન્ય હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોને વિનામૂલ્યે કાનૂની સહાય પૂરી પાડવાનો છે. આ ઉપરાંત, ‘જસ્ટીસ ફોર ઓલ’ના ધ્યેય સાથે NALSA લોક અદાલતોનું આયોજન, કાનૂની જાગૃતિ કાર્યક્રમો અને વિવિધ સામાજિક ન્યાયલક્ષી યોજનાઓ દ્વારા ન્યાયની સુલભતા સુનિશ્ચિત કરે છે. નાલસાની પ્રોટેક્શન એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ ટ્રાઈબલ રાઇટ્સ સ્કીમ-૨૦૧૫ હવે ૨૬ એપ્રિલ ૨૦૨૫ થી નાલસા સંવાદ સ્કીમ-૨૦૨૫ તરીકે રિલૉન્ચ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!