
નર્મદા જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ, પ્રથમ દિવશે ધોરણ ૧૦ માં ૧૭૦ ગેરહાજર
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આજથી ધોરણ-૧૦ (SSC) અને ધો-૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રો ખાતે આવકારી પ્રવેશ અપાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ પ્રથમ દિવસે સવારે ધોરણ-૧૦માં ગુજરાતી વિષયમાં નોંધાયેલા કુલ-૭૩૮૮ વિદ્યાર્થીઓ પૈકી ૭૨૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૧૭૦ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.
આજે બપોરે લેવાયેલી ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ ૪૫૨૩ વિદ્યાર્થીઓ પૈકી ૪૪૬૯ની હાજરી અને ૫૪ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. જ્યારે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ-૧૦૧૬ વિદ્યાર્થીઓ પૈકી ૧૦૦૩ વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી હતી અને તેમાં ૧૩ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પરીક્ષા કંટ્રોલકક્ષ તરફથી આજે સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં આજની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.





