નર્મદા જિલ્લા DLACની કામગીરીની સમીક્ષા અર્થે કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્તરીય DLAC (District Level Advisory Committee)ની વાર્ષિક કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી. જેમાં ખાદ્ય સલામતી વિભાગ દ્વારા વર્ષ 2025-26 દરમિયા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું કે, જિલ્લામાં નાગરિકોની ખાદ્ય સલામતી જળવાઈ રહે તે માટે વિવિધ સ્થળોએ સતત ચકાસણી, સેમ્પલિંગ અને જનજાગૃતિ અભિયાનનો કડક પણે અમલ થાય. એક તરફ મેદસ્વીતા મુક્ત ગુજરાત જેવું મહત્વનું અભિયાન હાલ ચાલી રહ્યું છે ત્યારે નાગરિકોમાં તેમના રોજિંદા ખોરાક અંગે જાગૃતિ ફેલાય, જિલ્લામાં ઉપલબ્ધ ખાદ્ય તેલની ગુણવત્તા તથા અન્ય રાશન અને હોટેલમાં પણ જરૂરી માપદંડો સાથે સ્વચ્છતા જળવાય રહે અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સ નિયમોનું યોગ્ય પાલન કરે તે જોવા અનુરોધ કર્યો હતો.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બેઠક દરમિયાન અપાયેલી વિગતો મુજબ એન્ફોર્સમેન્ચ સેમ્પલિંગ હેઠળ 23 નમૂનાઓ લેવાયા હતા. જેમાંથી 15ના પૃથક્કરણ અહેવાલ પ્રાપ્ત થયા હતા અને બધા જ સંતોષકારક જણાયા હતા. તેવી જ રીતે ફૂડ એપ દ્વારા 36 ઇન્સ્પેક્શન હાથ ધરાયા હતા. વર્ષ 2024-25 દરમ્યાન મળેલા નમૂનાઓના આધારે વિવિધ હોટેલ, બેકરી અને વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી કુલ રૂપિયા 7 લાખથી વધુનો દંડ વસૂલાયો હતો.
એપ્રિલથી ઑગસ્ટ-2025 દરમિયાન જિલ્લામાં 619 જેટલાં નવા રજીસ્ટ્રેશન/ લાયસન્સ આપવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં કુલ 3,179 ફૂડ બિઝનેસ ઓપરેટરો માન્ય લાયસન્સ ધરાવે છે. જિલ્લામાં 42 સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને તમામ નમૂના પરીક્ષણમાં સંતોષકારક જણાયા હતા. MDM, છાત્રાલય તથા હોસ્ટેલમાંથી પણ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી. રાજપીપલા ખાતે દૂધની દુકાનમાંથી 83 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. જેની કિંમત રૂ. 53,120 જેટલી હતી. નમૂનાઓ નબળી ગુણવત્તાવાળા સાબિત થતાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
‘Food Safety on Wheels’ અભિયાન હેઠળ 16 જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 88 જેટલાં સ્પોટ ટેસ્ટિંગ કરાયા અને 70 લિટર તેલ, 205 લિટર પાણીપુરીનું પાણી તથા અન્ય બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો.
જોકે વર્ષોથી નર્મદા જિલ્લા ભરૂચ જિલ્લા માંથી જુદો પડ્યો છે છતાં અહીંયા સ્વતંત્ર ફૂડ એન્ડ ડ્રગની કચેરી નથી જેથી સમયાંતરે ચેકીંગ થતું ન હોવાથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોય એમ લોક ચર્ચા થઈ રહી છે