
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ
એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે વિકાસ પદયાત્રાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં ૨૩ આઈકોનિક સ્થળોની પસંદગી કરી પદયાત્રા યોજવાનું નક્કી કરાયું હતું. વિકાસ સપ્તાહના અંતિમ તબક્કામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારના સાનિધ્યમાં પવિત્ર નદી માં નર્મદા રેવાના તીરે તા. ૧૫મી ઓક્ટોબર, મંગળવારે સવારે સુપ્રભાત વિકાસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં આસપાસના ગ્રામજનો, નાગરિકો, વિવિધ વિભાગના કર્મચારીઓ મળી અંદાજે ચાર હજાર જેટલા લોકો જોડાયા હતા.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ-બે (એકતા પરેડ ગ્રાઉડ) ખાતેથી પ્રારંભાયેલી વિકાસ પદયાત્રાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, SoUના એડિશનલ કલેક્ટર સર્વ ગોપાલ બામણીયા અને નારાયણ માધુ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા આદિવાસી નૃત્ય પરંપરાગત વેશભૂષામાં ઢોલના તાલે પદયાત્રા જંગલ સફારી પાર્કના માર્ગે આગળ વધી સરદાર સરોવર નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે સંપન્ન થઈ હતી.
સરદારના સાનિધ્યમાં યોજાયેલી વિકાસ પદયાત્રા અંગે પ્રતિભાવ આપતા નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સફરની શરૂ કરીને આજે દેશની ધુરા સંભાળી રહ્યા છે ત્યારે આ ૨૩ વર્ષની વિકાસ સફરની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાંથી વિકાસ ગાથાની શરૂઆત કરતા આર્થિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે સૌનો વિકાસ કર્યો છે. અહીંના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો-વંચિતો દરેકને માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરીને ગુજરાતને એક રોલ મોડલ રાજ્ય તરીકે દેશમાં પ્રસ્થાપિત કર્યું છે. વિકાસની આ પદયાત્રામાં નર્મદા મૈયાના પવિત્ર સ્થાને સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરીને લોકોએ પદયાત્રાની શરૂઆત કરી હતી. લોકોએ સ્વયંભૂ જોડાઈને આ યાત્રાને ખૂબ જ સારો પ્રતિસાદ અપાવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરની આજુબાજુના વિસ્તારના અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા છે. આ વિકાસની ગાથામાં બધા જ સહભાગી બન્યા છે. અખંડ ભારતના શિલ્પીની પ્રતિમાના દર્શન કરીને આજે સૌ કોઈ ધન્ય થયા છે.
વધુમાં ધારાસભ્યએ ઉમેર્યું કે, ખૂબ જ આનંદ સાથે કહેવાનું મન થાય કે અહીંયા એકતાનગરમાં રોજગારની નવી તકો ખૂલી છે. વિશ્વ ફલક ઉપર આજે ટુરીઝમના ક્ષેત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખૂબ જ ઊંચું સ્થાન પામી ચૂક્યું છે. સ્થાનિકોને રોજગારી મળતાં લોકો ખૂબ જ ખુશ ખુશાલ અને આનંદિત છે. ગુજરાતની આ વિકાસ ગાથામાં સૌ અધિકારી-પદાધિકારી સાથે જોડાયા છીએ.




