NANDODNARMADA

દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર મંચ ઉપરથી વન વિભાગના અધિકારીઓને ખખડાવ્યા

દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર મંચ ઉપરથી વન વિભાગના અધિકારીઓને ખખડાવ્યા

 

રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશ પટેલ ની ઉપસ્થિતિમાં ગયા વર્ષે વૃક્ષારોપણના કાર્યક્રમમાં આજ જગ્યા થયો હતો તે રોપા કયા ગયા? : ચૈતર વસાવા

 

ફોરેસ્ટ વિભાગ જંગલ સાચવવાના બદલે દર વર્ષે પોત પોતાની એજન્સી રાખીને કરોડો રૂપિયા ઉતારે છે: ચૈતર વસાવા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

આજે તારીખ 17 ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના માલસામોટ ખાતે “એક પેડ મા કે નામ” કાર્યક્રમ ઉપરાંત રૂપિયા 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણના મંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા, ડો. દર્શના દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસીંગ તડવી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક ગંભીર મુદ્દાઓ પર ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રમક રીતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગઈ સાલ અહીંયા સાહેબ વૃક્ષારોપણ કરવા આવ્યા હતા. એમાંના કેટલા ઝાડની હાલ શું પરિસ્થિતિ છે તે જોવા માટે ચાલો જઈએ. અમારા જંગલ ખાતામાં શું ધંધા ચાલે છે અમે બધું જાણીએ છીએ. આજે વૃક્ષારોપણના કાર્યક્રમમાં જેટલા પણ વૃક્ષો રોપવામાં આવે છે તેને સાચવવાની અને ઉછેરવાની જવાબદારી ફોરેસ્ટ વિભાગની છે. ગઈ સાલ વૃક્ષારોપણના કરેલા કેટલા વૃક્ષો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ સાચવ્યા છે? અમારા વિસ્તારમાં 40 કરોડનો કે 400 કરોડનો પ્રોજેક્ટ લાવો, અમને વિકાસથી કોઈ વાંધો નથી પરંતુ કેવડિયામાં અમને ખોટા વાયદાઓ કર્યા અને કહ્યું કે પ્રવાસન કરીશું અને રોજગાર વધારીશું પરંતુ આજે કેવડિયામાં આપણી માતા બહેનો રડી રહી છે. સાપુતારાને હિલ સ્ટેશન બનાવવાના નામે મૂળ ગામના લોકોને નીચેની તરફ મોકલી દીધા અને આજે એ લોકોને લારી ગલ્લા પણ મુકવા દેવામાં આવતા નથી.

 

માલસામોટમાં જે પણ વિકાસનો પ્રોજેક્ટ આવે છે, તેની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ પહેલા અમારા લોકલ ગ્રામ પંચાયતની સહમતી લો, અમારી વન અધિકારી સમિતીની સહમતિ લો એટલે કે ભાગીદારીમાં લો. બહારના લોકો આવે છે અને કોર્પોરેટ જગતની નજર અહીંયા છે. માલસામોટમાં 302 એકર જમીન હાઉસિંગ સોસાયટીએ લીધી છે, એ એક પણ જમીન અમે આપીશું નહીં. સરકારે જે કરવું હોય એ કરી લે પરંતુ અમે તો લડવા માટે તૈયાર છીએ. અહીંયા સરકાર પ્રોજેક્ટ લગાવે અને રોજગારી આપે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો અમારી જમીન પર અતિક્રમણ થશે અને અમારા ખેડૂતની જમીન છીનવાશે તો અમે સહન કરીશું નહીં. અહીંનું જંગલ ખાતું 1927માં આવ્યું છે પરંતુ આ જમીન એના પહેલાથી જ અમારા પૂર્વજોની છે. રેકોર્ડ ઉઠાવીને જોઈ લેજો મારા પૂર્વજોએ અનામત જંગલ બનાવવા માટે 500 એકર જમીન આપી છે.

 

આદિ અનાદિકાળથી આદિવાસી સમાજ આ જંગલમાં રહે છે અને આ જંગલને અમે સાચવીએ છીએ. અહીંની શાળાઓમાં માસ્તર નથી, અમે કલેક્ટર સહિત અનેક રજૂઆતો કરી પરંતુ હજુ પણ માસ્તર મૂકવામાં આવતા નથી. સરીબાર જેવા ગામોમાં રોડ રસ્તાની વ્યવસ્થા નથી. ફોરેસ્ટ વાળા પોતાની ઘરની એજન્સીઓને કામે લગાડીને આઠ દસ કરોડ રૂપિયા ઉતારે છે. તમારી જંગલ બનાવવા હોય તો બનાવો, નહીંતર તમારું ખાતું બંધ કરી દો. કૌશલ્ય વર્ધક કેન્દ્ર અહીંયા 49 લાખમાં બનાવ્યું અને તેના ઉદ્ઘાટનમાં તમે 6.5 કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા, શું આ તમારી સિસ્ટમ છે? અહીંયા આજે વૃક્ષારોપણના કાર્યક્રમમાં જે પણ ઝાડ રોકવામાં આવ્યા છે તે એક એક ઝાડ મોટું થવું જોઈએ, વિકાસ થાય ડેવલોપમેન્ટ થાય ટુરીઝમ વધે અને ટુરિસ્ટ પૈસા વાપરશે તો અમારા લોકોને રોજગારી મળશે આ બધામાં અમે સહમત છીએ પરંતુ કાલે ઊઠીને જો કોઈએ અમારી જમીન લેવાની વાત કરી તો અમે સહન કરીશું નહીં તેમ જાહેર મંચ ઉપરથી કહેતા સભામાં સોપો પડી ગયો હતો

Back to top button
error: Content is protected !!