NATIONAL

ઈડી એ કઈ હરતુ-ફરતુ હથિયાર કે ડ્રોન નથી જે કોઈપણ ગુનાહિત મામલે પોતાની મરજી મુજબ હુમલો કરી દે છે. : મદ્રાસ હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે એક મામલે સુનાવણી કરતાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે ઈડી એ કઈ હરતુ-ફરતુ હથિયાર કે ડ્રોન નથી જે કોઈપણ ગુનાહિત મામલે પોતાની મરજી મુજબ હુમલો કરી દે છે. તે કોઈ સુપર કૉપ નથી કે તે દરેક કેસમાં તપાસનો અધિકાર ધરાવે.

જસ્ટિસ એમ.એસ. રમેશ અને જસ્ટિસ વી. લક્ષ્મીનારાયણની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે, મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA) હેઠળ ઈડીની તાકાતનો ઉપયોગ માત્ર ત્યારે જ કરી શકાય, જ્યારે કોઈ અયોગ્ય ગુનો થયો હોય અથવા તો તે ગુનામાંથી ખોટી રીતે કમાણી કરી હોય. કોર્ટે આર.કે.એમ પાવરજેન પ્રા.લિ.ની 901 કરોડની એફડી ફ્રિઝ કરવા મામલે ઈડીનો આદેશ રદ કર્યો હતો.

બેન્ચે જણાવ્યું કે, PMLA હેઠળ એક પૂર્વનિર્ધારિત ગુનાનું અસ્તિત્વ જરૂરી છે. જ્યારે કોઈ પૂર્વનિર્ધારિત ગુનો ન હોય તો પીએમએલએ હેઠળ કાર્યવાહી કરવી અયોગ્ય છે. કોર્ટે આ ચુકાદો આરકેએમ પાવરજેન પ્રા. લિ.ની અરજી પર કર્યો હતો. જેમાં ઈડી તરફથી એફડી પર રોક લગાવવાના આદેશને પડકાર્યો હતો. જેમાં ઈડીના 31 જાન્યુઆરીના રોજ ફિક્સ્ડ ડિપોઝિટ પર રોક મૂકવાના આદેશને પડકાર્યો હતો. વરિષ્ઠ વકીલ બી. કુમારે કંપની તરફથી દલીલ કરી હતી કે, આ પ્રતિબંધ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલા નિર્ણયોની અવગણના કરે છે. જેમાં નવા તથ્યોનો અભાવ છે.

આરકેએમને 2006માં ફતેહપુર પૂર્વી કોલસા બ્લૉક ફાળવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2014માં આ ફાળવણી રદ કરી હતી. સીબીઆઈએ શરૂઆતમાં એક એફઆઈઆર નોંધી હતી, પરંતુ 2017માં આ કેસ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈડીએ 2015માં પીએમએલએ તપાસ શરૂ કરી અને આરકેએમના ખાતા પર રોક મૂકી હતી. જેને ધ્યાનમાં લેતા મદ્રાસ હાઈકોર્ટે ઈડીનો રોક મૂકવાનો આદેશ રદ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!