
નર્મદા : આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને સ્થાનિક આગેવાનોની મધ્યસ્થી બાદ, ગોરા ઘાટ ખાતે દટાઈને મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારોને સહાય મળશે
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા નદી કિનારે ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન દુર્ઘટના બની હતી. કામગીરી દરમિયાન ભેખડ ધરાસાઈ થતા અકતેશ્વર ગામમાં 3 સ્થાનિકો દટાઈ જતાં મૃત્યું નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે ફાયર ફાઇટર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેવના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અકતેશ્વર ગામના લોકો ઉમટી પડ્યા હતા અને કોન્ટ્રાક્ટ સામે ગુનો નોંધી ધરપકડ કરવાની માંગણી કરી હતી.
ત્યારબાદ સ્થાનિક આગેવાનો અને આપ ધારાસભ્ય ચૈતર વસાવા પરિવારો સાથે મુલાકાત કરી હતી અને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે નાના બાળકો અને મૃતકોના પરિવારજનો નિરાધાર બની જતા તેમના પરિવારજનોના ન્યાય અને ભવિષ્ય માટે કંપનીએ વળતર આપવાની બાંહેધરી અને SOU ખાતે તંત્રએ નોકરી આપવાની બાંહેધરી આપી છે.
આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 30 અને 31 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પધારવાના હોય ત્યાં તંત્ર દ્વારા રાત દિવસ નવા નવા કામ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના અકતેશ્વર ગામના રોહિતભાઈ, શૈલેષભાઈ અને દીપકભાઈનું ભેખડ ધસી પડવાથી અને તેમાં દબાઈ જવાથી મૃત્યુ થયું છે. એજન્સીઓ દ્વારા સેફટી વગર તાબડતોડ કામો અમારા લોકો પાસેથી કરાવવામાં આવે છે. અમે SOU સત્તા મંડળ અને એજન્સીને કહ્યું છે કે મૃતકોના પરિવારને માનવતાના ધોરણે સહાય કરવામાં આવે અને તેઓએ આ બાબતમાં અમારી વાતને માન્ય રાખી છે. એજન્સીએ તમામ પરિવારને 50-50 લાખ આપવાની જાહેરાત કરી છે. સરકાર પાસેથી પણ ટ્રાયબલ સહાયમાંથી મૃતકોના પરિવારને સહાય મળે તેવી પણ અમે કોશિશ કરીશું.
આ ઘટના મુદ્દે અમે એફઆઇઆર પણ કરાવી છે, જેમાં અમે માનવ વધ જેવી ગંભીર કલમો પણ ઉમેરાવી છે. છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારના લોકોની જમીનો છીનવાઈ રહી છે અને હવે 30 અને 31 તારીખે રાષ્ટ્રીય એકતા કાર્યક્રમની પરેડ પણ થવાની છે તેના કારણે અહીંના સ્થાનિક લોકોની હેરાનગતિ શરૂ થઈ ગઈ છે. 10 વર્ષથી જે લોકોની જમીનો છીનવાય છે તે લોકો પણ પરેશાન છે અને હવે હાલના લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. અમે જે ગામડાના રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે તે બનતા નથી જ્યારે બીજી બાજુ તાબડતોડ મોટા મોટા પ્રોજેક્ટ મંજૂર થઈ રહ્યા છે. આ તમામ બાબતો અમે ધ્યાનથી જોઈ રહ્યા છીએ અને આવનારા સમયમાં આ વિષય પર આદિવાસી સમાજને જાગૃત કરીશું અને જરૂર પડે તો સરકાર સામે ઉતરવું પડશે તો પણ ઉતરીશું. અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માંગ્યો છે પરંતુ અમને આ મુદ્દે કોઈ જવાબ મળ્યો નથી




