
નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ મેળવવાની અરજીમાં ખોટા આવકના દાખલા રજૂ કરનારા અરજદારો ધ્યાને આવતા ૨૯ અરજીઓ રદ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ.હેઠળ પ્રવેશ મેળવવા અંગેની ઓનલાઈન પોર્ટલ પરની અરજીઓમાં અરજદારો તરફથી ખોટા આવકના દાખલા રજૂ કર્યા હોવાનું પોલીસ ઈન્સ્પેક્ટર રાજપીપલા દ્વારા લેખિત અને રૂબરૂ મૌખિક તથા વિવિધ ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. તેમજ નિયામક, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર તરફથી આર.ટી.ઈ. અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં જિલ્લા કક્ષાએ માન્ય કરવામાં આવેલી અરજીઓ અન્વયે ઓછી આવક ધરાવતા શંકાસ્પદ આવકના દાખલાઓની તાત્કાલિક સંબંધિત કચેરી પાસેથી ખરાઈ કરાવી નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના મળી હતી.
વડી કચેરીની ઉક્ત સૂચના બાદ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી તાલુકા વિકાસ અધિકારી નાંદોદની કચેરીને આવકના દાખલાઓની ખરાઈ કરી આપવા જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી નાંદોદ તરફથી મળેલા અહેવાલના આધારે આર.ટી.ઈ. હેઠળના પ્રવેશ મેળવવા અંગેની અરજીમાં ખોટા આવકના દાખલા રજૂ કરનારા અરજદારો ધ્યાને આવતા કુલ ૨૯ અરજીઓ જિલ્લા કક્ષાએથી રદ કરવામાં આવી છે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નર્મદા દ્વારા જણાવાયું છે.


