
નર્મદા : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ અંતર્ગત તિલકવાડા ખાતે મફત આંખ તપાસણી કેમ્પ યોજાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ સ્થળોએ ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
જેના ભાગરૂપે તા. ૦૮/૦૧/૨૦૨૬ ના રોજ તિલકવાડા પોલીસ સ્ટેશન હદના સુરવા ટોલનાકા ખાતે NHAI-56 પર મફત આંખ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આંખરોગના નિષ્ણાત ડો. તેજસ જોશી, આર.ટી.ઓ. નર્મદાના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા ટ્રાફિક શાખા, નર્મદાના પી.એસ.આઈ. એસ.એસ. મિશ્રા સહિત ટ્રાફિક શાખાના જવાનો હાજર રહ્યા હતા.
કેમ્પ દરમિયાન જિલ્લા ટ્રાફિક શાખા, નર્મદા અને આર.ટી.ઓ. રાજપીપલા દ્વારા NHAI હાઇવે ઉપર ચાલતા ૨૦૦થી વધુ હેવી વાહન, લાઇટ વાહન તથા મોટરસાયકલ ચાલકોની ડો. તેજસ જોશી દ્વારા મફત આંખની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત જરૂરિયાત મુજબ ચશ્માં તથા આંખના ટીપાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી તેમજ ‘રાહ વીર (ગુડ સમરીટન) એવોર્ડ’ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે ટ્રાફિક સલામતી સંબંધિત પેમ્પ્લેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.



