
નર્મદા: એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત પર્વ-2025નો પ્રારંભ
રાજપીપળા : જુનેદ ખત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસર, એકતાનગર ખાતે ભારત પર્વ-2025નો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી પી.સી.બરંડા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે આ ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો મંત્ર ‘રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક’ ને આ ભારત પર્વ ચરિતાર્થ કરે છે. “અનેકતામાં એકતા, એ જ આપણી વિશેષતા”નો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં લોકોને મળવાની છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું હતું કે, સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓના વિલિનિકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યાં છે.આપણે સૌ સદભાગી છીએ કે, આઝાદીના દશકો બાદ આપણને વડાપ્રધાન તરીકે એક એવું નેતૃત્વ મળ્યું છે જેણે ‘સ્વ’નો નહીં સમસ્તનો – રાષ્ટ્રહિત પ્રથમનો જ વિચાર હૈયે રાખ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આઝાદી પછી વર્ષો સુધી સરદાર જયંતિ માત્ર પરંપરાગત બિબાઢાળ સરકારી કાર્યક્રમ બની ગઈ હતી, પરંતુ આપણા મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે, જે કોઈને ના સૂઝે તે તેમને સૂઝે છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની એકતા માટે આપેલા બહુમૂલ્ય યોગદાનનું યથોચિત ગૌરવ કર્યું છે.
				




