
દેડિયાપાડા-મોવી વચ્ચે યાલ ગામ પાસે તૂટી ગયેલા પુલનું હંગામી ધોરણે નિર્માણ કરાયો
તાહિર મેમણ – ડેડીયાપાડા – 07/07/2025 – સાગબારા-દેડિયાપાડાથી રાજપીપલા આવતા નાના વાહનોનું સરળતાથી આવન-જાવન ર્મદા જિલ્લામાં વરસેલા વધુ વરસાદના કારણે દેડિયાપાડા-મોવી માર્ગ પર આવેલા યાલ ગામ નજીક નદી પરનો પુલ તાજેતરમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે ધોવાઇને તૂટી ગયો હતો. માર્ગ પરનો પુલ તૂટી જવાથી દેડિયાપાડા અને મોવી ઉપરાંત સાગબારાથી જિલ્લામથક રાજપીપળા તરફ આવન-જાવન કરતા નાગરિકોને મુશ્કેલી સર્જાઈ હતી. જેને ધ્યાને લઈ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) દ્વારા તાત્કાલિક પગલાં રૂપે બ્રિજનું હંગામી ધોરણે પુનઃનિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. પુલમાંથી વરસાદી પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે સિમેન્ટ પાઈપના ભૂંગળા મૂકી હંગામી ધોરણે જનતાને આવન-જાવન માટે કાચો પુલ બનાવી દેવામાં આવ્યો છે.
આ માર્ગ પરથી હાલમાં નાના વાહનો માટે અવરજવર ફરીથી પુનઃ શરૂ કરવામાં આવી છે, જેના કારણે સાગબારા-દેડિયાપાડા તેમજ આ માર્ગ પર આવતા ગામડાંઓના નાગરિકો સરળતાથી આ માર્ગ પરથી પસાર થઈને જિલ્લામથક સુધી પહોંચવા માટે નાગરિકોને ખૂબ જ રાહત મળી છે.



