
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે BSF ના DG દલજીતસિંગ ચૌધરીએ એકતાનગરની મુલાકાત કરી
એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સમગ્ર કાર્યક્રમ સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી
રાજપીપલા : જુનેદ ખત્રી
આગામી તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી થનાર છે, તે પૂર્વે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે આજે BSFના DG દલજીતસિંગ ચૌધરી મુલાકાતે પધાર્યા હતા. તેઓની સાથે અભિષેક પાઠક અને વિકાસ સિંઘ પણ જોડાયા હતા. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાતા કાર્યક્રમ સ્થળોનું નિરિક્ષણ કરી બાદમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને એકતા દિવસ ઉજવણી સમિતિના અધિકારીઓ સાથે વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી.
દલજીતસિંગ ચૌધરી વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે યોજેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી કેટલાંક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. પરેડ સંદર્ભે અધિકારીશ્રીઓના મંતવ્યો-વિચારોની આપ-લે કરી કાર્યક્રમમાં થનારા બદલાવ અને નવી બાબતો અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાને મૂકવા અંગેના વિચારો પણ પ્રસ્તુત કર્યા હતા.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજરોજ તા.૧૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાયેલી આ બેઠકમાં નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, SoUADTGAના અધિક કલેક્ટર સર્વ ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, BSF અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





