NANDODNARMADA

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્ત છ ગામના નાગરિકો સાથે જિલ્લા કલેક્ટરની પરામર્શ બેઠક

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્ત છ ગામના નાગરિકો સાથે જિલ્લા કલેક્ટરની પરામર્શ બેઠક

 

નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ તડવીએ ગામ લોકોના પ્રશ્નોની રજૂઆત કરી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત છ ગામોના નાગરિકો સાથે પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અસરગ્રસ્ત ગામો કેવડિયા, લીમડી, નવાગામ-બારફળિયા, વાગડિયા, કોઠી તથા ગોરા ગામના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ પ્રોજેક્ટ તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ દરમિયાન સંપાદિત થયેલી જમીનો તથા મૂળ ગામના નાગરિકોને લાગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. અસરગ્રસ્ત ગામોના આગેવાનો દ્વારા દરેક ગામના પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.

 

જિલ્લા કલેક્ટરએ તમામ ગામોના આગેવાનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને જે પ્રશ્નો નીતિ વિષયક બાબતો સાથે જોડાયેલા છે તે અંગે રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆત કરી પરામર્શ દ્વારા ઝડપી નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

 

ગામોના આગેવાનો દ્વારા જમીનના હક્કો, નાગરિક તરીકેના અધિકારો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલાં પોતાના ગામોમાં જવા માટે ચેકપોસ્ટ પાર કરવાની વ્યવસ્થા, ગ્રામ પંચાયત, એસટી બસ સ્ટેશન, આંગણવાડી કેન્દ્ર, ખેડૂતોને મળતા સરકારી લાભો, કેવડિયા ગામને ‘એકતાનગર’ નહીં પરંતુ મૂળ ગામ ‘કેવડિયા’ તરીકે જ યથાવત્ રાખવા તથા સંપાદિત થયેલી જમીન માટે યોગ્ય વળતર આપવા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

 

આ બેઠકમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોના પ્રશ્નો અંગે પોતાની રજૂઆત કરી હતી. તેમજ જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ તડવીએ સમગ્ર બાબતો ઉપર પ્રકાશ પાડી વિગતવાર રજૂઆત કરી હતી.

Back to top button
error: Content is protected !!