
નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે જિલ્લા પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના પાણી પૂરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
ધારાસભ્યઓએ તેમના મત વિસ્તારના નાગરિકોના વિકાસ કામો જેવા કે, નર્મદા જિલ્લાને અન્ય જિલ્લાઓ સાથે જોડતા માર્ગો તેમજ આંતરિક માર્ગો પૈકી પોઈચા બ્રિજ ખાતે અને ઘાણીખૂંટ ખાતેના બ્રિજ પરથી ભારદારી વાહનોને બાદ કરતાં એસ.ટી. બસોને પસાર થવા માટે મંજૂરી આપવા, નાંદોદ તાલુકાના કરજણ ડેમના ઉપરવાસમાં આવેલા જૂનારાજ ગામના રસ્તાના કામમાં થઈ રહેલો વિલંબ અને તેના કારણો ગામે, દેડિયાપાડા-સાગબારામાં બનતા આકસ્મિત આગજનીના બનાવો અને તેમાં વળતરની ચૂકવણી, માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓની મરામત, દેડિયાપાડા તાલુકામાં પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામની સ્થિતિ, પાણી પુરવઠા યોજના અંતર્ગત ગામના નાગરિકોને ઘર સુધી પાણી મળી રહે તે બાબતની કાળજી રાખવા જેવા પ્રજાજનોના પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીએ જિલ્લાના અધિકારીઓને આ મુદ્દાઓને પ્રાથમિકતા સાથે ઉકેલવા માટે ચોક્કસ આયોજન બનાવી અમલીકરણ કરવા સૂચના આપી હતી.
જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રથમ વખત જિલ્લાની મુલાકાતને લઈને સૌ અધિકારીશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ અમલીકરણ વિભાગોના અધિકારીશ્રીઓએ લોકઉપયોગી યોજનાઓને પારદર્શિતા સાથે અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચાડવો જોઈએ. તેમણે અધિકારીઓને સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી.




