
રાજપીપલામાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાઓનો પ્રારંભ
નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવીએ ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કરી ખેલાડીઓના જુસ્સામાં વધારો કર્યો
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજ્યમાં યોજાનાર ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય, રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાઓને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલાના કુલપતિ ડો. મધુકર એસ. પાડવીની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકતા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલમહાકુંભનો પ્રારંભ કરાવીને વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે રમતમાં રહેલા કૌશલ્યને બહાર લાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મનું કાર્ય કર્યું છે.
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે કહ્યું કે, ખેલમહાકુંભના મંચ થકી રમતવીરો પોતાના પરિશ્રમ અને શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ગામડાં, તાલુકા, જિલ્લાકક્ષાથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ પ્લેટફોર્મ થકી પહોંચી શકે છે, અને ખેલદિલી સાથે પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવી શકે છે. તેમણે ઉમેર્યું કે, રમતવીરોના સ્વાસ્થ્ય માટે પોષણયુક્ત આહાર અને તેમની રમતમાં આવતી તકનીકી ખામીઓને દૂર કરીને તેમની પ્રતિભામાં નોંધપાત્ર વધારો થાય છે, અનુભવી કોચ તેમની કુશળતા વિકસાવી રહ્યાં છે. ઉંમર સાથે, સ્પોર્ટ્સ અને શિક્ષણ પર પણ ભાર મુકતા, ડો. દેશમુખે ખેલાડીઓને અનુરોધ કરી તેમને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલાના કુલપતિ ડો. મધુકર એસ. પાડવીએ જણાવ્યું કે, એક તરફ પ્રયાગરાજનો મહાકુંભ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને શક્તિના સંગમનું દર્શન કરાવે છે, જ્યારે ખેલ મહાકુંભ રમતવીરોના પરિણામલક્ષી પ્રયાસ, એકતા અને ઉત્કૃષ્ટતાનું સકારાત્મક મિશ્રણ રજૂ કરે છે. તેમણે કહ્યું કે, રમત ક્ષેત્ર માત્ર વ્યક્તિગત મંચ નથી, તે તંદુરસ્ત સમાજનું નિર્માણને પણ પ્રસ્તુત કરે છે, રમતો બાળકને ભવિષ્યનો જવાબદાર નાગરિક બનાવે છે.
આ પ્રસંગે શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલ (DLSS), ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી કામિનીબેન કે. વસાવાએ જણાવ્યું કે, અંડર-૧૭ જિલ્લા કક્ષાની કબડ્ડીમાં મેં ભાગ લીધો છે. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરીને હું અહીં પહોંચી છું. હું સેશનવાઈઝ પ્રેક્ટિસ કરીને અભ્યાસ માટે પણ એટલો જ રસ અને સમય ફાળવું છું. સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ હેઠળ અમે જિલ્લા કક્ષાની કબડ્ડી ટૂર્નામેન્ટ રમવા આજે અહીં આવ્યા છીએ.”
કામિનીબેને આશા વ્યક્ત કરી હતી કે, “અહીંથી જીત હાંસલ કરીને હું આગળના તબક્કાની ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઈશ અને નર્મદા જિલ્લાનું નામ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરીશ.”
આ અવસરે મહાનુભાવોએ જિલ્લાકક્ષાની કબડ્ડી અને વોલીબોલની મેચો નિહાળી, રમતવીરોની ચપળતા, કુશળતા અને ક્ષમતા જોઈને ગૌરવ અનુભવ્યો અને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સ્પર્ધામાં કબડ્ડી સ્પર્ધામાં અંડર ૧૪, અંડર ૧૭ અને ઓપન એજ ગૃપમાં ભાઈઓ-બહેનો મળીને ૭૨૦ ખેલાડી અને વોલીબોલ સ્પર્ધામાં અંડર ૧૪, અંડર ૧૭ અને ઓપન એજ ગૃપમાં ભાઈઓ-બહેનો મળીને ૭૨૦, એમ કુલ ૧૪૦૦ થી વધુ રમતવીરોએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર સંચાલિત તેમજ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નર્મદા અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રમતસ્પર્ધાનો આશય ખેલકૂદનું વાતાવરણ ઉભુ કરવું, સ્વાસ્થ્ય જાગૃતિ અને નવીન પ્રતિભાને શોધવાનું છે.





