ઝણોર ગામના સરપંચ તથા ઉપસરપંચે ૧૫ મા નાણાં પંચમાં મંજુર થયેલ કામોમાં નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર, હોદ્દાપરથી દૂર કરવા માંગ…

ભરૂચ તાલુકાના ઝણોર ગામના સરપંચ તથા ઉપસરપંચે ૧૫ મા નાણાં પંચમાં મંજુર થયેલ કામોમાં નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે દિનેશભાઈ માછી તેમજ અન્ય ગ્રામજનોએ એ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી તેઓને હોદ્દા પરથી દુર કરવા તેમજ સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જિલ્લા કલેકટર ને પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે ગામના વિકાસના કામો ૧૫ મા નાણાંપંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મશાળા-ઝણોર મુકામે બોરવેલના કામ માટે રૂપીયા ૩,૦૦,૦૦૦/- સુધીના ખર્ચ અંગેના બીલ મંજુર કરવામાં આવેલ. પરંતુ વેલ્યુએશન સર્ટીફિકેટ એસ્ટીમેન્ટ, આર.ઓ.શીટ અને સ્થળ ઉપર બતાવવામાં આવેલ સબમર્સીબલ પંપ ૧૦ એચ.પી.ની જગ્યાએ સીંગલ ફેઝની મોટર અંદાજીત ૧ એચ.પી.ની ફિટ કરાવીને મંજુર થયા મુજબનું મટીરીયલ નહીં વાપરીને સરકારી નાણાંની બોગસ બીલ, વાઉચર તથા કાગળો તૈયાર કરી ઉચાપત કરેલ છે. તેમજ ઇન્દરા આવાસથી સરદાર આવાસને જોડતો આર.સી.સી. રોડ મંજુર કરવામાં આવેલ. જે રોડ બનાવવાના કામમાં પણ ગેરરીતિ કરી મંજુર થયા મુજબનું કામ નહી કરી હલકી ગુણવત્તાવાળુ કામ કરેલ છે.ઝણોર મુકામે નદી કિનારે જુની પંચાયત નીચે આર.સી.સી. નાળાનું કામ મંજુર કરવામાં આવેલ. જે કામ બાબતે એસ્ટીમેન્ટ મુજબ ૨૯૩૯.૬૩ કિલો સ્ટીલ મંજુર થયેલ હતું જે નહીં વાપરીને હલકી ગુણવત્તાવાળુ કામ કરેલ છે ..આ કામોમાં ગેરરીતિ કરી સરપંચ તથા ઉપસરપંચ દ્રારા સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોય જે બાબતે દિનેશભાઈ માછી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવેલ હતી. જે અરજીના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી સદરહુ કામોમાં ગેરરીતિ થયેલ છે. જે બાબતે જવાબદાર સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રી ઉપર ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ -૫૭ (૧) હેઠળની કાર્યવાહી કરવા માટે નાયબ જીલ્લા વિકાસ અધિકારી સાહેબ પંચાયત, જીલ્લા પંચાયત ભરૂચને તારીખ ૦૪/૦૭/૨૦૨૪ ના રોજ રીપોર્ટ કરવામાં આવેલ છે તેમ છતાં જીલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્રારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.તેથી સરપંચ તથા ઉપસરપંચને હોદ્દા ઉપરથી દુર કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવે ઝનોર ગામ પંચાયતના સરપંચ મંજુલાબેન વસાવાના પતિ બાબરભાઇ વસાવા ગામ પંચાયતનો બધો વહીવટ ચલાવે છે. અને ગામમાં લોકોને હેરાન કરે છે. અને ગામ લોકોને મામલતદાર અને પી.આઈ. તથા પોલિસ સ્ટાફની રૂબરૂમાં ખુલ્લી ધમકી આપેલ છે કે અમો ઝેરી દવા પીય જઈશું અને તમોને એટ્રોસીટીના કેસમાં ફસાવી દઈશું. તેઓએ અગાઉ પણ ગામલોકો વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબની ફરીયાદો કરેલ છે. જેથી તેઓ સામે પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા તથા તેમને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દુર કરવાની માંગ પણ કરવામાં આવી છે.



