
ડેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપૂર
જુનેદ ખત્રી : નર્મદા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે મોહન નદીમાં ભારે વરસાદને લીધે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી, તેમજ નદી ઉપર બનેલો મોટો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેથી અવરજવર કરતા લોકો પર તેની ભારે અસર થઈ હતી. નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ થતાં નર્મદા જિલ્લાના ગારદા અને નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા વચ્ચેથી વહેતી મોહન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાતા નદી ગાંડીતુર બની હતી, અને બંને કાંઠે નદીના ભારે વેણ વહેતા થતા નદી ઉપર આવેલ મોટો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો.
નદીના પાણી પુલ ઉપર ફરી વળતાં પૂરની સ્થિતિને કારણે નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા. ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પણ ભારે નુકશાન જવાની ની ભીતિ સર્જાઇ હોવાનુ પણ જાણવા મળ્યુ છે. તેમજ અનેક ખેડૂતોનાં ખેતીના સાધનો પણ પાણીમાં તણાઈ ગયા હતા પુર ની સમગ્ર પરિસ્થિતી ને જોતાં તંત્ર એલર્ટ મોડ પર આવ્યુ છે.



