
રાજપીપલામાં રાજવંત પેલેસ માંથી પિસ્તોલની ચોરી કરનાર સહિત કુલ પાંચને એલસીબી એ ઝડપી લીધા
આરોપીઓએ મહારાજા રઘુવિરસિંહની સહી કરેલ કોરા ચેક પણ ચોરી લઈ વટાવી કાર અને બુલેટ ખરીદ્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલામાં પો.સ્ટે વિસ્તારમાં તા.૧૧/૦૧/૨૦૨૫ ના રોજ રાજવંત પેલેસમાં ચોરી થઈ હતી જેની તપાસ કરતા ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે જુદી જુદી ટીમો બનાવી ગુન્હામાં સંડોવાયેલ આરોપી નામે સંજય મધુકર રાજાને રહેવાસી મકાન નંબર-૨૩, જયદેવ પુંજા પંડયાની ચાલી, રાધે મોલ સામે, ખોખરા, અમદાવાદને ગણતરીના કલાકોમાં અમદાવાદ ખાતેથી એલસીબી નર્મદા એ પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ (પિસ્તોલ) રિકવર કરવામાં આવી છે તેમજ પકડાયેલ આરોપી સંજય મધુકર રાજાને ને ગુન્હા સબંધે પુછપરછ દરમ્યાન ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ ૧) મીત ૨) અરબાજ ઉર્ફે અજ્જુ ૩) રિઝવાન ૪) ફરહાનનાઓએ પોતાના મોજ શોખ પુરા કરવા માટે તમામે સાથે મળી મહારાજા રઘુવિરસિંહની ઉંમર તથા શારીરીક અશક્તતાનો લાભ ઉઠાવી મહેલ માંથી નાની મોટી ચીજ વસ્તુઓ તથા મહારાજાની સહીઓ કરેલ કોરા ચેકોની ચોરી કરેલ હોવાનું તથા ચોરી કરેલ ચીજવસ્તુમાંથી તથા ચોરી કરેલ કોરા ચેકો વટાવી મળેલ નાણા દ્વારા (૧) મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી (૨) સેવોલેટ કંપનીની ફુઝ ગાડી (૩) રોયલ એન્ફીલ્ડ કંપનીનુ બુલેટ જેવા વાહનો ખરીદી કરી પોતાના ઉપયોગ માટે તમામ વારાફરતી વાપરતા હોવાની કબુલાત કરી હતી તમામ આરોપીઓ તથા તમામ મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે રાજપીપલા પો.સ્ટે ખાતે સોપવામાં આવ્યા છે
ચોરીમાં ગયેલ મુદ્દામાલ પિસ્તોલ નંગ-૧ કિમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- તથા વાહન નંગ-૩ કિમત રૂપિયા ૬,૮૦,૦૦૦/- તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૫ કિમત રૂપિયા ૬૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧૦,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરાયો




