GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણ તાલુકાના ભાડલા ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૨૯/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સ્થાનિક પ્રશ્નોનું સત્વરે સકારાત્મક નિરાકરણ લાવીને પરિણામલક્ષી કામગીરી કરવાનો સરકારનો ધ્યેય છે : મંત્રીશ્રી

Rajkot, Jasdan: ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને જસદણ તાલુકાના ભાડલા ગામમાં સરદાર પટેલ શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભાડલા, આધીયા, ભંડારીયા, ગઢડીયાજામ, રામળીયા, બોઘરાવદર, રાણીંગપર, વેરાવળભા, વિરપરભા, રણજીતગઢ, દહીંસરા, રાજાવડલાજામ, ખડવાવડી, કનેસરા, રાજાવડલાજસ અને કુંદણી, એમ કુલ ૧૬ ગામોના લોકોને ૧૮ યોજનાઓનો લાભ અને ૨૧ સેવાઓની માહિતી એક જ સ્થળે આપવામાં આવી રહી છે.

આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, જસદણ તાલુકામાં લોકોને સરકારી યોજનાની માહિતી, આવકના દાખલા, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, વૃદ્ધો તથા ગંગાસ્વરૂપ મહિલાઓ અને પેન્શનના લાભાર્થીઓને જરૂરી સેવાઓ સરળતાથી મળી શકે, તે હેતુસર સેવાસેતુ કાર્યક્રમ થકી સરકાર પ્રજાને દ્વાર આવે છે. ત્યારે સરકારી લાભોથી વંચિત રહી ગયેલા નાગરિકો આ કાર્યક્રમનો લાભ લે, તેવા પ્રયત્નો સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે, તેમજ ગ્રામસેવકો પણ શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા સહિત પ્રાથમિક સુવિધાઓ બાબતની યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય નિયમિતપણે કરે એ જરૂરી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સ્થાનિક પ્રશ્નોનું સત્વરે સકારાત્મક નિરાકરણ કરીને પરિણામલક્ષી કામગીરી કરવાનો સરકારનો ધ્યેય છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા સરકારી કામોની ગુણવત્તામાં ક્ષતિ રહી ગઈ હોય, તો તેને સુધારવાની દરકાર પણ તંત્ર રાખે છે. તાજેતરમાં ભાડલા-રાજાવડલાનો રસ્તો રીકાર્પેટ કરવા રૂ. ૦૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, તેમજ ભાડલા, કુંદણી સહિત ૦૩ નવીન ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે આશરે રૂ. ૭૫ લાખ ફાળવવામાં આવ્યા છે. આમ, છેલ્લા ૦૨-૦૩ વર્ષ જેટલા ટૂંકાગાળામાં જસદણ-વિંછીયા પંથકનો સર્વાંગી વિકાસ થાય, તેવા સતત પ્રયાસો થઇ રહ્યાં છે. જેનાં પગલે સમગ્ર રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકો લોકો સુધી સરકારી લાભો પહોંચાડવામાં અગ્રેસર છે.

આ તકે મંત્રીશ્રીને શાલ ઓઢાડીને તેમનું અભિવાદન કરાયું હતું. તેમજ મામલતદાર શ્રી આઇ. જી. ઝાલાએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી અને અગ્રણી શ્રી ભાવેશભાઈ વેકરીયાએ આભારવિધિ કરી હતી. મંત્રીશ્રીએ વિવિધ કચેરીના કર્મયોગીઓને રૂબરૂ મળીને કાર્યક્રમમાં લાભાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, તેવી સૂચના આપી હતી.

નોંધનીય છે કે, મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી રાજ્યભરમાં બેનિફિશિયરી સત્યાપન એપ્લિકેશનમાં આવેલી અરજીના અનુસંધાને કામગીરી કરવાનો આરંભ થયો છે. આ એપ દ્વારા લાભાર્થીઓના આધાર આધારિત પ્રમાણીકરણ અને ઈ-કે.વાય.સી.ની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થઈ શકે છે. ઉપરાંત, તાજેતરમાં જસદણ તાલુકાની ૬૮૧ ગંગાસ્વરૂપા બહેનો અને ૨૩૦ નિરાધાર વૃદ્ધોને સરકારી યોજનાઓની આર્થિક સહાય આપવામાં આવી છે, જે આંકડો સરાહનીય કામગીરી દર્શાવે છે.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી આર.આર.ખાંભરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.જી.પરમાર, નાયબ મામલતદાર શ્રી એચ.વી.સાંબડ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી સી.કે.રામ સહિત અધિકારશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!