DGVCLના કેબલની ચોરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા:અંકલેશ્વર હાંસોટ રોડ પરથી રૂ.70 હજારનો કેબલ, રીક્ષા સહિત 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેર પોલીસે હાંસોટ રોડ પરથી DGVCLના કેબલની ચોરી કરતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હાંસોટ રોડ પર હતી. ત્યારે એક રીક્ષા પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. તેઓ DGVCLની નવી નંખાતી ગ્રાઉન્ડ લાઈનનો વાયર કાપીને રીક્ષામાં મૂકવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ વડોદરાના રાહુલ ચૌહાણ અને અજય માળી તેમજ ભરૂચ ઉપરાલીના મયુર વસાવા તરીકે થઈ છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓ કેબલ વાયરના જથ્થા અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.70 હજારની કિંમતનો કેબલ વાયર, રૂ.75 હજારની રીક્ષા અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.




