
નર્મદા : એઇડ્સ જાગૃતિ માટે રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ
રાજપીપલા : જુનેદ ખત્રી
વિશ્વભરમાં એઇડ્સ નિવારણ અને નિયંત્રણ માટે જનજાગૃતિના ભાગરૂપે દર વર્ષે ૧લી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ‘એઇડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપોને દૂર કરીએ’ છે. તેને અનુલક્ષીને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જિલ્લાક્ષય કેન્દ્ર, રાજપીપલા ખાતેથી ઇન્ડિયન રેડક્રોસ ભવન સુધી વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવતા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે સૌને એઇડ્સ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રોગના જોખમી પરિણામો, યોગ્ય ઉપચાર તેમજ રોગ સંબંધિત ગેરમાન્યતાઓ વિશે જાગૃતિ લાવી અસરકારક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રેલી જિલ્લાક્ષય કેન્દ્રથી પ્રારંભ થઈ સફેદ ટાવર અને રેડ ક્રોસ સોસાયટી માર્ગેથી પસાર થઈને ફરી ત્યાં જ સમાપ્ત થઈ હતી. રેલીમાં સરકારી નર્સિંગ કોલેજ રાજપીપલા, બિરસા મુંડા નર્સિંગ કોલેજ તેમજ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર્સ, એએનએમ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. રેલી દરમિયાન બેનરના માધ્યમથી નગરજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. રેલીને નગરજનોનો આવકાર મળ્યો હતો




