
નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા-મોવી રોડ પર આવેલા કરજણ નદી પરના બ્રીજનું સ્થળ નિરીક્ષણ કર્યું
નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સ્થળ પર જ જરૂરી સૂચનો આપ્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ તૂટી જવાની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા નબળા કે ક્ષતિગ્રસ્ત થયેલા પુલોની સ્થળ પર જઈ જરૂરી તપાસ કરી ખરાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. સલામતી અને સાવચેતીના ભાગરૂપે ચોમાસાની ઋતુના અનુસંધાને નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને ધ્યાને લઈને નર્મદા જિલ્લામાંથી પસાર થતા નેશનલ-સ્ટેટ હાઈવે અને આંતરિક માર્ગો પર અવરજવર માટેના બ્રિજની જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી દ્વારા તબક્કાવાર ચકાસણી કરવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લામાં આવેલા માર્ગો પરના જોખમી બ્રિજ અથવા ક્ષતિગ્રસ્ત હોય તેવા પુલો વાહન વ્યવહાર માટે યોગ્ય છે કે કેમ, તેનું સ્થળ નિરીક્ષણ કરવા સાથે કોઈ આકસ્મિક ઘટના ન ઘટે તે માટે સલામતીના કારણોસર આજે તા.૧૪/૦૭/૨૦૨૫ને સોમવારના રોજ સવારે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશ મોદી, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર સહિતની ટીમ દ્વારા રાજપીપલા-મોવી રોડ પર કરજણ નદીના બ્રીજની સ્થળ મુલાકાત કરી કરજણ બ્રિજ નીચેના ભાગે તેમજ પુલ ઉપર અને સાઈડમાં ઉતરીને નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને દુરવાણીથી જરૂરી સૂચના આપી હતી સાથે કાર્યપાલક ઇજનેરને જરૂરી સૂચના આપીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.





