Rajkot: રાજકોટ ઝોનનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ યોજાયો

તા.૭/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાની છ આંગણવાડી બહેનોને ‘માતા યશોદા’ એવોર્ડ એનાયત
ટી.એલ.એમ. નિદર્શનના વિજેતાઓ તથા ભૂલકા મેળાની વિજેતા કૃતિઓને મંત્રીશ્રીએ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા
ઉત્તમ કામગીરી કરનારા આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓ તથા દાતાઓનું સન્માન કરાયું
Rajkot: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયાની અધ્યક્ષતામાં આજે ‘પા પા પગલી પ્રોજેક્ટ’ અંતર્ગત રાજકોટ ઝોનનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ તેમજ ‘માતા યશોદા એવોર્ડ-૨૦૨૧-૨૨’ વિતરણ સમારોહ તથા ‘પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત બાળ ઉપયોગી પ્રદર્શન’ – એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છ મહિલાઓને માતા યશોદા એવોર્ડ, ભૂલકા મેળાની વિજેતા કૃતિઓ તથા ટી.એલ.એમ. (ટીચીંગ વિથ લર્નિંગ મટિરિયલ) નિદર્શનના વિજેતાઓને ઈનામ તથા વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈ. સી. ડી. એસ.ની પ્રાદેશિક નિયામકની કચેરી-રાજકોટ ઝોન, રાજકોટ મહાનગર પાલિકા તથા જિલ્લા પંચાયત રાજકોટના સંયુક્ત ઉપક્રમે, પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આ ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા.
મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયાએ સૌને સંબોધતા કહ્યું હતું કે, આજનું બાળક એ આવતી કાલનો નાગરિક છે. બાળકના વિકાસના પાયામાં જો શિક્ષણરૂપી ઈંટ મૂકવાનું કામ મજબૂત રીતે થાય તો બાળક શ્રેષ્ઠ નાગરિક બને છે. બાળક ત્રણ વર્ષનું થાય ત્યારથી જ શિક્ષણનો પાયો મજબૂત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા “પા..પા.પગલી” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બાળકને તેમની જ ભાષામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બાળકના સ્વાસ્થ્ય, પોષણ તેમજ તેને સક્ષમ બનવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકના વિકાસમાં સામાજિક ભાગીદારી તેમજ બાળકના ઉછેરમાં માતા પિતાની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે.
ગુજરાતની આંગણવાડી બહેનોને પોતાનો જ પરિવાર ગણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યની આંગણવાડી બહેનો બાળકો ઉપરાંત કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓ તથા ધાત્રી માતાઓની ચિંતા રાજ્ય સરકાર સુપેરે કરે છે. આંગણવાડીની બહેનો માતા યશોદાની ભૂમિકા નિભાવતી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે, જાણે પોતે માતાના ખોળામાં રમતું હોય તેવું વ્હાલ બાળકોને આંગણવાડીમાં મળે છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પોષણની કાળજી રાખતાં બાળકો માટે બાલશક્તિ, કિશોરીઓ માટે પૂર્ણાશક્તિ તથા માતા માટે માતૃશક્તિ પોષક આહાર આપવામાં આવે છે. તજજ્ઞોની ટીમ દ્વારા આ ટી.એચ.આર. બનાવવામાં આવે છે અને તેને લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ આહારનો સારી રીતે ઉપયોગ કરવા તેમણે સૌને અપીલ કરી હતી. રાજ્યમાં કોઈ પણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે સર્વે કરીને, તેમને પોષક
આહાર પહોંચાડવા માટે આંગણવાડીની બહેનોને આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડિયા તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ આઈ.સી.ડી.એસ.ના વિભાગીય નિયામક સુશ્રી પૂર્વી પંચાલે સ્વાગત પ્રવચન અને રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી જનકસિંહ ગોહિલે આભારવિધિ કરી હતી.
ભૂલકા મેળાના કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ઝોનના ૧૨ જિલ્લાની વિવિધ આંગણવાડીઓનાં બાળકોની ટીમો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ ઝોનના ૧૨ જિલ્લાની આઈ.સી. ડી. એસ.ની ટીમો દ્વારા ટી.એલ.એમ. (લર્નિંગ વિથ ટીચિંગ મટીરીયલ) પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ શરૂઆતમાં આ પ્રદર્શન નિહાળીને સૌને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહ, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતી લીલુબહેન જાદવ, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતિ કંચનબેન બગડા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.







