
નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.કિરણબેન પટેલના હસ્તે 37 જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રકો એનાયત કરાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોની ઘટને પૂરવા તેમજ ગુજરાતના ભવિષ્યને વધુ ઉજ્જ્વળ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યભરના યુવા શિક્ષણ સહાયકો માટે હાલમાં નિમણૂંક પત્ર વિતરણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
નર્મદા જિલ્લાની સરકારી તથા ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “શિક્ષણ સહાયક ભરતી-2024” અંતર્ગત ફાળવાયેલા 40 પદો પૈકી આજે 37 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. આ તબક્કે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. કિરણબેન પટેલના હસ્તે રાજપીપલાની સરકારી હાઈસ્કૂલ ખાતે નિમણૂંક પત્રો એનાયત કરી નવા શિક્ષકોને નર્મદા જિલ્લાની શિક્ષણયાત્રામાં જોડાવા સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ડૉ. કિરણબેન પટેલે જણાવ્યું હતું કે, “શિક્ષક માત્ર પદ નથી, પરંતુ સમાજના વિકાસમાં સાથ આપનાર એક દિશા દર્શક છે. નર્મદા જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ પહોંચે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.” તેમણે નવા નિમણૂક પામેલા તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શિક્ષક બનવાની પ્રેરણા આપી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત થવા આહ્વાન કર્યું.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ નવા શિક્ષણ સહાયકોમાં નવોત્સાહ અને સેવાભાવ જોઈ શકાયો હતો. સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આયોજિત કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડી જે પ્રશંસનીય છે.



