
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં SIRની કામગીરી સંદર્ભે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં નોંધાયેલા કુલ 4,69,487 મતદારો માટે 617 બુથ પર BLO દ્વારા થઈ રહેલી SIRની કામગીરી થકી 58.76 ટકા મતદારોનું મોબાઈલ વેરિફિકેશન પૂર્ણ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી માટેનો Special intensive Revision(SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી માટેના SIR કાર્યક્રમ અંગે માહિતગાર કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
- માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ Special intensive Revision (SIR) કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના મતદારોને માહિતગાર અને મદદરૂપ થઈ શકે તે માટે આ બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જેમાં આ કામગીરીના આગળના તબક્કે મતદારોને વધુ માહિતગાર કરવા અને મતદાર યાદી પ્રક્રિયામાં સહભાગી બની સરળતાથી પૂર્ણ થાય, કોઈપણ મતદારનો યાદીમાં સમાવેશ થતાં રહી ન જાય તે જોવા ઉપર જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાસ ભાર મૂક્યો હતો.
નર્મદા જિલ્લામાં મતદાર યાદી અંગે Special Intensive Revision (SIR) હેઠળની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. જિલ્લામાં કુલ 4,69,487 મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં 617 બુથ કાર્યરત છે, તેમજ દરેક બુથ પર 01 (એક) બુથ લેવલ ઓફિસર (BLO) ની નિમણૂંક કરી દેવામાં આવી છે. BLO દ્વારા દરેક મતદારના ઘરે-ઘરે જઈને એન્યુમરેશન (EF) ફોર્મ-2 ભરવાનું તથા માહિતીનું ચકાસણી કાર્ય ચાલી રહ્યું છે. ત્યારબાદ BLO APP મારફતે ડિજિટાઈઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે આગામી તા 04 ડિસેમ્બર-2025 સુધી ચાલુ રહેશે.
નર્મદા જિલ્લામાં વિધાનસભા મત વિસ્તાર મુજબ એન્યુમરેશન પ્રગતિ (EF – Digitization) અંગે વાત કરવામાં આવે તો 147-નાંદોદ મત વિસ્તારમાં નોંધાયેલા કુલ 2,38,265 મતદારો પૈકી 20.31 ટકા અને 148- દેડિયાપાડા મત વિસ્તારમાં નોંધાયેલા કુલ 2,31,222 મતદારો પૈકી 20.32 ટકા EF ડિજિટાઈઝેશનની કામગીરી આજદિન સુધી કરવામાં આવી છે.
સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી કુલ 58.76% મતદારોનું મોબાઈલ નંબર વેરિફિકેશન થયું છે એટલે કે વર્ષ 2002 ની મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોની ઓળખ કરી લેવામાં આવી છે. ઓળખ નહીં થયેલા તથા નવા મતદારો તા.09/12/2025 થી તા. 31/01/2026 દરમ્યાન ECI દ્વારા માન્ય કાગળ પુરાવા સાથે સુધરો કરાવી શકશે.
મતદારોની સુવિધા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. જેમાં મતદારો પોતાની વિગતો અંગે પોતાના બુથ લેવલ ઓફિસર (BLO) નો સીધો સંપર્ક કરી શકે છે. દરેક મતદારો હેલ્પલાઈન નંબર- 1950 પર કોલ કરીને માહિતી મેળવી શકે છે. Vulnerable Group માટે Dedicated Helpline નંબર: 02640-224001 જારી કરવામાં આવ્યો છે. દરેક પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીએ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. જ્યાંથી મતદાર પોતાનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં છે કે કેમ, તે શોધી શકે છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નર્મદા દ્વારા મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા જાળવવા તમામ મતદારોને સહકાર આપવા જણાવાયું છે. SIR અંતર્ગત ચાલતી કામગીરીમાં સક્રિય ભાગ લેવા જિલ્લામાં તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને પણ અપીલ કરી છે





