
નર્મદા: ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, જંગલ સફારી પાર્ક, કેકટસ ગાર્ડન અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત કરી તમામ પ્રોજેક્ટની વિગતવાર જાણકારી મેળવી
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આજે નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, કેકટસ ગાર્ડન, જંગલ સફારી પાર્ક અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક સંસાધનોના સંવર્ધન તેમજ લોકો દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે હાથ ધરાયેલા વિવિધ પ્રકલ્પોની મુલાકાત કરી સંબંધિતો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
એકતાનગરની મુલાકાત દરમિયાન સ્થાનિક આદિવાસી બહેનો દ્વારા સંચાલિત “પિંક ઓ ઓટો”માં સવારી કરી હતી. દરમિયાન મંત્રીએ બહેનો સાથે સંવાદ સાધી બહેનોની આ પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આવા પ્રયોગો આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા બન્નેને મજબૂત બનાવે છે.




