
નર્મદા : માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઈચા ખાતેથી પ્રારંભ
યોજનાકીય પ્રચાર-પ્રસારને લગતી માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવાન બનાવવા માહિતી અધિકારીઓ ચિંતન કરશે
રાજપીપળા : જુનેદ ખત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજ્ય કક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઇ રહી છે. આ શ્રેણીમાં આજે નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઈચાથી માહિતી ખાતાની તા.૧૩ અને ૧૪ ફેબ્રુ-દરમિયાન બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે.
માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના વર્ગ ૧-૨ના અધિકારીઓ આ બે દિવસીય ચિંતન શિબિરમાં જન કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા સંદર્ભે પ્રત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહો અને ટેકનોલોજીના ઉપયોગ અને પડકારો બાબતે મનોમંથન કરશે.
શિબિરના શુભારંભ અવસરે ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા માહિતી માહિતી કમિશનર કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, ડિજીટલ ટેકનોલોજીના કારણે વિશ્વભરની જાણકારી, માહિતી હાથવગી બની છે, માહિતીનો વ્યાપ સર્જાયો છે, આવા સંજોગોમાં છેવાડાના માનવી સુધી જ્યારે કોઈ યોજના કે સરકારી નિર્ણય પહોંચે, ત્યારે તેમાં કોઈ ક્ષતિ કે ગેરસમજ ન હોય તે જોવાની જવાબદારી આ વિભાગની છે.
ચિંતન શિબિરની ટેગલાઈન ‘સેવા એ જ સાધના, શબ્દની આરાધના’નો ઉલ્લેખ કરતા કમિશનરએ જણાવ્યું કે, આપણું સમગ્ર કામ શબ્દોની આસપાસ વણાયેલું છે. સંસ્કૃતની ‘ધ્રુ’ ધાતુ પરથી ઉતરી આવેલા ‘ધર્મ’ શબ્દને ટાંકીને કહ્યું કે, જે ધારણ કરવા યોગ્ય છે તે જ ધર્મ છે, અને માહિતી ખાતા માટે શબ્દની ગરિમા જાળવવી એ જ પરમ ધર્મ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને પ્રેરણામંત્ર માને છે એ ‘સ્વાન્ત: સુખાય’- જનકલ્યાણમાં જ આનંદના વિચારને વણી લેતા બચાણીએ કહ્યું કે, જ્યારે આપણી પ્રેસ રીલીઝ વાંચીને કોઈ નાગરિકને સરકારી યોજનાનો લાભ મળે, આપણું પ્રકાશન વાંચીને કોઈ બહેન ‘ડ્રોન દીદી’ બને કે આપણી જાહેરાત જોઈને કોઈ યુવાન સ્ટાર્ટઅપ શરૂ કરે ત્યારે આપણને થતા આત્મસંતોષની અનુભૂતિ અવર્ણનીય હોય છે. શબ્દની આરાધનાનું કામ માત્ર વ્યક્તિગત નથી, પણ કોઈ લાભાર્થી પરિવાર અને સમાજને પોઝિટિવ રીતે પ્રભાવિત કરવાનું પુણ્યશાળી કાર્ય છે.
તેઓએ માહિતી અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, લોકોના રસ અને તેમની જરૂરિયાતોને પારખીને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી જન- જન સુધી પહોંચે તે માટે ટીમ માહિતી વધુ સુસજજ બને. કારણ કે માહિતી ખાતાની ભૂમિકા માત્ર સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર પૂરતી મર્યાદિત નથી, પણ સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બાંધવાની છે.
તેમણે અધિકારીઓને ટકોર કરી હતી કે આપણી માહિતી પ્રસ્તુત, અસરકારક અને વિશ્વાસપાત્ર હોવી જોઈએ. ડિજિટલ યુગમાં માહિતી ખાતાની જવાબદારી માત્ર ‘માહિતી પ્રસારણ’ની નથી, પણ ‘જનસેવા અને જનજાગૃતિ’ની છે. તે ટેકનોલોજીના સમુચિત ઉપયોગ સાથે જનહિતના પ્રશ્નો, મુદ્દાઓ અને ફીડબેકને સરકાર સુધી પહોંચાડતી કડી છે.
ટ્રેઈનર અને લાઈફ કોચ દીપકભાઈ તેરૈયાએ ‘કામને ગમતું કરો અથવા ગમતું કામ કરો’ વિષય પર પ્રેરક સંબોધન કરતા કહ્યું કે, ઘણીવાર આપણને જે ગમે છે તે કામ મળતું નથી, અને જે કામ મળે છે તે આપણને ગમતું નથી. આ દ્વંદ્વમાં જ માણસ તણાવ અનુભવે છે.
પરિસ્થિતિ હંમેશા ધાર્યા પ્રમાણે નથી હોતી. જ્યારે જવાબદારીઓ વચ્ચે મનગમતું કામ ન મળે, ત્યારે ‘કામને ગમતું કરો અથવા ગમતું કામ કરો’ આ અભિગમ જાદુઈ સાબિત થાય છે. દ્રષ્ટિકોણ બદલીએ. કામને બોજ સમજવાને બદલે તેને કંઈક નવું શીખવાની તક તરીકે લો.
હેલ્થ, વેલ્થ, કરિયર અને રિલેશનશિપ વચ્ચે સંતુલન જાળવવા જણાવી તેરૈયાએ કહ્યું કે, જે દિવસે તમે શીખવાનું બંધ કરશો, જાત સાથે વાત કરવાનું ટાળશો, તે દિવસે તમારી પ્રગતિ અટકી જશે. તમારી સ્પર્ધા બીજા સાથે નહીં, પણ ગઈકાલના તમારા ‘સેલ્ફ’ સાથે રાખો. નાણા સર્વસ્વ નથી, આર્થિક ઉપાર્જન જીવન જીવવા માટે અનિવાર્ય છે, પરંતુ સંબંધો, આરોગ્ય, કારકિર્દી પણ અતિ મહત્વના પાસા છે. વેલ્થનો અર્થ માત્ર બેંક બેલેન્સ નથી, પણ ‘નાણાકીય સ્વતંત્રતા’ છે.






