KUTCHMUNDRA

મુન્દ્રાની એટીવીટી મિટિંગમાં પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મનોમંથન કરાયું.

૧૭-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

સંવાદ અને સંકલનથી લોકલક્ષી કાર્યો પૂર્ણ કરાશે : ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે

મુન્દ્રામાં થયેલી નિર્મમ હત્યાને વખોડી ટૂંક સમયમાં શાંતિ સમિતિની બેઠક બોલાવા કરી તાકીદ

મુન્દ્રા કચ્છ :- તાજેતરમાં મુન્દ્રા પ્રાંત અધિકારી ચેતનભાઈ મિસણની અધ્યક્ષતામાં યોજાયેલ એટીવીટીની મિટિંગમાં નવનિયુક્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ એટીવીટીના લોક પ્રતિનિધિ તરીકે જયેશ જખુભાઈ આહીર (ગુંદાલા), ધીરુભા રતનજી જાડેજા (વિરાણીયા) અને માણશી આસપન ગઢવી (ઝરપરા)ની વરણી થતા તેમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે લોક પ્રતિનિધિ, પ્રજા પ્રતિનિધિ અને અધિકારીઓ સાથે સંવાદ અને સંકલન કરી પ્રજાલક્ષી કાર્યો પૂર્ણ કરવામાં આવશે આ અંગે તેમણે મિટિંગમાં હાજર વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી લોક સેવા માટે ખૂટતી કડીઓ અંગેની જાતમાહિતી મેળવી હતી. પ્રારંભમાં મુન્દ્રામાં થયેલ નિર્મમ હત્યા અંગે શોક વ્યક્ત કરતા તાત્કાલિક શાંતિ સમિતિની બેઠક બોલાવી તમામ ધર્મના લોકો સાથે સંવાદ કરીને આવા બનાવોને રોકવા જરૂરી તમામ પ્રયત્નો કરવા અને ચાલુ મહિનામાં હત્યાનો બીજો બનાવ બન્યો છે ત્યારે લઘુમતી સમાજના યુવાનોમાં હથિયાર રાખવાના વધી રહેલા વલણ અંગે આક્રોશ વ્યક્ત કરતા આવા બનાવો ન બને તે માટે ગંભીરતા પૂર્વક વિચારણા કરી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. પરંપરાથી વાડી વિસ્તારમાં વસતા લોકો પાણી, રોડ, રસ્તા જેવી પાયાની સુવિધાઓથી વંચિત રહી જતા હોય છે ત્યારે તે અંગે ચિંતા વ્યક્ત કરતા અધિકારીઓ સાથે મનોમંથન કરતા જાણવા મળ્યું કે વાડી વિસ્તાર સીમતળમાં આવતો હોઇ ગામને અપાતા અમુક લાભો વાડી વિસ્તારના લોકોને આપી શકાતા નથી આ બાબત નીતિવિષયક હોઈ તેની રજૂઆત રાજ્ય સરકારમાં કરવાની ધારાસભ્યે ખાતરી આપી હતી. ઉનાળાના સમયમાં લોકોને પુરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે અત્યારથી જ ચિંતા વ્યક્ત કરતા તાલુકામાં આવેલી કંપનીઓ અને સરકારના સંયુક્ત પ્રયાસોથી પાણી સંગ્રહ અંગે પ્રયત્ન કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. માંડવી દરિયા કિનારાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી કાંઠાના ધંધાર્થીઓને લાયસન્સ આપવું, ભાવ નિયંત્રણ કરવું, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવી, કિનારાનો વિસ્તાર વધારવો, સ્વચ્છતા અને સલામતી જેવા મુદ્દાઓને લઈને સંલગ્ન ખાતાઓના વડા સાથે મિટિંગનું આયોજન કરી સંકલિત નિર્ણય લેવાની ભલામણ કરી હતી. તથા માંડવીના બંધ પડેલા જુના પુલની બંને બાજુ પગથીયા બનાવી પુલ ઉપર બેન્ચીસ ગોઠવીને નયનરમ્ય બીચ વ્યુ સ્થળ તરીકે વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મિટિંગમાં એટીવીટીના સભ્ય જયેશભાઈ આહીરે તાલુકામાં આરોગ્ય ઇમર્જન્સી માટે 108 વાહનની સંખ્યા વધારવા, ગુંદાલા ગામના તળાવનું ઓગન ઊંચુ લાવવા, રાધા અને પ્રાગપર 2 જેવા ગામોને રેવન્યુ વિલેજ તરીકે માન્યતા અપાવવા સરકારમાં દરખાસ્ત કરવા જેવા સૂચનો કર્યા હતા. જ્યારે ધીરૂભા જાડેજાએ આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકો અંતર્ગત મંજુર થયેલ સવા કરોડની ગ્રાન્ટની રકમનો સાથે બેસી સંકલન કરી આયોજન કરવાની રજુઆત કરી હતી. રાસાપીર સર્કલ પાસે ખુલ્લેઆમ વેંચતા માસ – મટન પર નિયંત્રણ લાવવા માણશી ગઢવીએ સૂચન કર્યું હતું. લોકોને વીજળીની સુવિધા સારી રીતે મળી રહે તે માટે તાલુકામાં આવેલા મુન્દ્રા 1 સબ ડિવિઝનને શહેરી અને ગ્રામ્ય એમ બે વિભાગમાં વિભાજિત કરવાની રજૂઆત કરતા ધારાસભ્યશ્રીએ આ અંગે ઉચ્ચકક્ષાએ ધ્યાન દોરવામાં આવશે એવી ખાતરી આપી હતી. જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. ભાર્ગવ મોડએ નવું સોનોગ્રાફી મશીન લાવવા, સ્ટાફ ઘટ નિવારવા, સી.એચ.સી.નું નવું બિલ્ડીંગ બનાવવા અને અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવાની રજુઆત કરી હતી.એટીવીટીની મિટિંગમાં તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, મામલતદાર વી. આર. પટેલ સહિત વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!