
નર્મદા: આજથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ, જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ રામપુરા ઘાટનું નિરીક્ષણ કર્યું
પરિક્રમાર્થીઓ માટે છાંયડો, સ્નાન સુવિધા, ચેન્જિંગ રૂમ, નાવડી, લાઇટિંગ, CCTV, સાઈન બોર્ડ, કંટ્રોલરૂમ, આરોગ્ય, પાણી, સલામતીની કરાયેલી વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી-મંકોડી ઘાટ થી નર્મદા પરિક્રમાનો તા.19મી માર્ચથી પ્રારંભ થશે. આ પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિનો (એક મહિના સુધી) એટલે કે તા.17મી એપ્રિલ સુધી ચાલશે. આ ૧૪ કિ.મી.ની યાત્રાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. બોટ માટે જેટી, ડોમ, બેરીકેટિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશા સૂચક બોર્ડ સહિત બીજી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ નિહાળીને અમલીકરણ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ રામપુરા ઘાટ ખાતે ઊભી કરાયેલી જેટીનું બારિકાઈથી નિરીક્ષણ કરી ટેકનિકલ બાબતો સંદર્ભે સંબંધિત વિભાગો અને એજન્સી પાસેથી વિગતો મેળવી હતી. ખાસ કરીને બોટમાંથી ઉતરી ઘાટ ખાતે પરિક્રમાર્થીઓ એક સાથે 400-500ની સંખ્યામાં હોય ત્યારે કોઈ મુશ્કેલી ન સર્જાય, કોઈ વીવીઆઈપી અથવા મહાનુભાવો પરિક્રમા અર્થે આવે તેવા સંજોગોમાં ફરજ પરના અધિકારી-કર્મીઓ પુરતી કાળજી રાખે, પરિક્રમાર્થીઓને ક્યાંય કોઈ તકલીફ ન પડે, યાત્રા સુચારૂં રીતે પ્રારંભ થાય અને એક મહિના સુધી ચાલનારી આ યાત્રામાં અધિકારી-કર્મીઓ સૌએ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા પણ સૂચના આપી હતી.
નર્મદા પરિક્રમાર્થીઓની આસ્થા-શ્રધ્ધાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તેમજ માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમા દરમિયાન ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના માર્ગમાં રામપુરા, શહેરાવ તિલકવાડા અને રેંગણ ઘાટ આવેલા છે. બોર્ડ દ્વારા આ તમામ ઘાટ પર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી, ગાદલા, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, પીવાના પાણીની સુવિધા, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટૉયલેટ યુનિટ, ઇમર્જન્સી કામગીરી માટેની જરૂરી મશીનરી અને સાધન સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે.
જરૂરી તમામ સુવિધા પરિક્રમાના પ્રારંભ પૂર્વે પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વેળાએ જિલ્લા વિકાસ અધિકારી વી.આર.વાળા, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.એસ.ચૌધરી, નર્મદા પરિક્રમાના નોડલ અધિકારી તમામ ઘાટના નોડલ અધિકારીઓ, સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.







