
નર્મદા: ટ્રેઇની IPS, IIS અને IFS અધિકારીઓએ સામોટ પ્રાથમિક જૂથશાળાનું નિરીક્ષણ કર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક જૂથશાળા સામોટ ખાતે તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ IPS-IIS-IFS જેવી વિવિધ કેન્દ્રીય સેવાના ટ્રેઇની અધિકારીઓએ નિરીક્ષણ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન અધિકારીઓએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મુલાકાત દરમિયાન અધિકારીઓએ વર્ગખંડોમાં પ્રવેશ કરી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના વિષયો ઉપરાંત સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો તથા તર્કશક્તિ સંબંધિત પ્રશ્નો પૂછી તેમના શૈક્ષણિક સ્તરનું મૂલ્યાંકન કર્યું હતું.
આ ઉપરાંત શાળાના આચાર્ય તથા શિક્ષકો પાસેથી શાળામાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, મધ્યાહ્ન ભોજન યોજના, આરોગ્ય-પોષણ, રમતગમત, ડિજિટલ શિક્ષણ, વિદ્યાર્થીઓની હાજરી તેમજ વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
નોંધનીય છે કે, આવા નિરીક્ષણ મુલાકાતો દ્વારા શાળાઓમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ, વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક પરિણામો, યોજનાઓની અસરકારકતા તથા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ઊભા થતા પડકારોને સમજવાની તક મળે છે. અધિકારીઓ દ્વારા શાળાને શિક્ષણની ગુણવત્તા વધારવા પ્રેરણા આપવામાં આવી હતી. અધિકારીઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમની સાથે દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી જગદીશભાઈ સોની જોડાયા હતા.





