
નર્મદા: દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વ પરેડમાં નર્મદાના આપદા મિત્ર કેતનભાઈ ગોસાઈનું સન્માન
આપત્તિ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ કામગીરીમાં જિલ્લાનો ગૌરવ વધારતા આપદા મિત્ર કેતનભાઈ ગોસાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાને ગૌરવ અપાવતી એક મહત્વપૂર્ણ ઘટના તરીકે, 26મી જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં આયોજિત પ્રજાસત્તાક પર્વ પરેડમાં નર્મદા જિલ્લાના આપદા મિત્ર કેતનભાઈ ગોસાઈને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા તૈયાર કરાયેલા આપદા મિત્ર તરીકે તેમણે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત સતત, સમર્પિત અને પ્રશંસનીય કામગીરી કરી હોવાને કારણે ભારત સરકાર દ્વારા તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વ પરેડના કાર્યક્રમ દરમિયાન કેતનભાઈ ગોસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ ફોટોસેશનમાં માનનીય રાષ્ટ્રપતિ સાથે ઉપસ્થિત રહ્યા હતા, જે સમગ્ર નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માત્ર બે આપદા મિત્રોને આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી એક આપદા મિત્ર નર્મદા જિલ્લાના હોવાનું જિલ્લાને વિશેષ ગૌરવ અપાવે છે.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને માર્ગદર્શનના આધારે કેતનભાઈ ગોસાઈ દ્વારા આપત્તિ પ્રતિભાવ, જનજાગૃતિ, તાલીમ તથા સમુદાય આધારિત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અન્ય આપદા મિત્રો માટે પ્રેરણારૂપ બની છે. તેમની આ સિદ્ધિથી નર્મદા જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.





