શહેરાના પાલીખંડા મરડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રારંભે ‘બમ બમ ભોલે’નો નાદ ગુંજ્યો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, અને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણના પ્રથમ દિવસે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામમાં આવેલા પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિર ‘બમ બમ ભોલે’ અને ‘ઓમ નમઃ શિવાય’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકોએ મરડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આઠ ફૂટની ઊંચાઈ ધરાવતું સ્વયંભૂ શિવલિંગ ધરાવતું આ મંદિર ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસના આરંભ સાથે જ અહીં શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ, બિલીપત્ર અને પુષ્પોનો અભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી.
મરડેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક લોકવાયકાઓ પણ જોડાયેલી છે. જેમાંથી એક મુખ્ય માન્યતા એવી છે કે દર વર્ષે આ શિવલિંગ ચોખાના દાણા જેટલું વધે છે. આ અનોખા શિવલિંગના દર્શન કરવા પંચમહાલ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. એવી પણ દ્રઢ માન્યતા છે કે મરડેશ્વર મહાદેવના દર્શન કરનાર ભક્તોને સુખ, શાંતિ, સંપત્તિ અને સંતાનસુખ પ્રાપ્ત થાય છે, તથા તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આગામી દિવસોમાં શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભીડ વધુ જોવા મળશે.





