
નર્મદા જિલ્લામાં ૭ મેના રોજ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન “ઓપરેશન અભ્યાસ” મોકડ્રીલ યોજાશે
ઇ.કલેક્ટર અંકિત પન્નુએ પત્રકાર પરિષદ યોજી પત્રકારોને મોકડ્રીલ અંગે જાણકારી આપી
મોકડ્રીલમાં નાગરિકોને સહયોગ આપવાનો અનુરોધ કરતા ઇ.કલેક્ટર અંકિત પન્નુ
રાજપીપલા : જુનેદ ખત્રી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તા. ૭ મી મે, ૨૦૨૫ ના રોજ નર્મદા જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજનાર છે. જે સંદર્ભે ઇ. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ આજે પત્રકાર પરિષદ યોજીને આપત્તિ દરમિયાન કેવા પ્રકારના પગલા લઈ શકાય તે અંગે જાણકારી આપી હતી.
પત્રકાર પરિષદ દરમિયાન ઇ.કલેક્ટર અંકિત પન્નુશ્રીએ નર્મદા જિલ્લામાં નગરપાલિકા, સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સહિતના અન્ય ગામોમાં થનાર મોકડ્રીલ/અભ્યાસ અંગે જાણકારી પૂરી પાડી હતી. જેમાં આપત્તિ સમયે વિવિધ પ્રકારની ચેતાવણી આપતું સાયરન જેમ કે અલર્ટ સાયરન, સેકન્ડ વેવ સાયરન દરમિયાન કેવા પગલાં લેવા તે અંગે જણાવ્યું હતું..
નોંધનીય છે કે, મોકડ્રીલનો આશય નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જોકે, આ આપત્તિ દરમિયાન ચેતવણીના ભાગરૂપે કરવામાં આવનાર મોકડ્રીલ છે. જેનાથી કોઈપણ નાગરિકોએ ભયભીત થવાની જરૂર નથી. તા. ૭મીએ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન “ઓપરેશન અભ્યાસ” હેઠળ મોકડ્રીલમાં સહભાગી થવા માટે નાગરિકોને અનુરોધ કરાયો છે.
પ્રથમ તબક્કામાં એલર્ટ/સાયરન શરૂ કરાશે. લાઉડ સ્પીકરો પર જાહેરાત કરાશે., જે બાદ બીજા તબક્કામાં આપત્તિ અંગે માહિતગાર કરાશે, બચાવ કામગીરી, તેમજ અંતિમ તબક્કામાં રાહત અને નિયંત્રણ કામગીરી અંગે સાયરન મારફત સચેત કરવામાં આવશે. રાત્રે ૭.૩૦-૮.૦૦ દરમિયાન બ્લેક આઉટ (સ્વયંભુ લાઈટ બંધ રાખવા) પત્રકાર પરિષદના માધ્યમથી ઇ.કલેક્ટર અંકિત પન્નુએ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.



