રાજપીપળા એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ સેમિનારનું આયોજન
રાજપીપળા : જુનેદ ખત્રી
મહારાજા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલા ખાતે નૅશનલ ટાસ્ક ફોર્સ (NTF) અંતર્ગત માનસિક આરોગ્ય જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. કોલેજના 100થી વધુ NCC કેડેટ્સે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
GMERS, રાજપીપલા ના માનસિક આરોગ્ય વિભાગના નિષ્ણાતો ડૉ. પ્રશાંત જરીવાલા, ડૉ. અમિષા પટેલ તથા કોઉન્સેલર સોહેલ કોઠારીએ કેડેટ્સને માર્ગદર્શન આપ્યું. તેમણે યુવાનોમાં વધતી આત્મહત્યાની ચિંતાજનક પ્રવૃત્તિઓના કારણો પર પ્રકાશ પાડ્યો સાથે સાથે માનસિક આરોગ્ય મજબૂત કરવા માટેની જરૂરી રીતો જેવી કે સકારાત્મક અભિગમ, તણાવનું યોગ્ય સંચાલન, કાઉન્સેલિંગ અને આત્મવિશ્વાસ વધારવા માટેની કળાઓ વિષે વિસ્તૃત સમજણ આપી. તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં શારીરિક તંદુરસ્તી જેટલું જ માનસિક આરોગ્ય પણ અત્યંત જરૂરી છે. સારી માનસિક તંદુરસ્તી ધરાવતા યુવાનો જીવનની પડકારજનક પરિસ્થિતિઓનો સામનો ધીરજપૂર્વક કરી શકે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે.
આ પ્રસંગે ડૉ. શૈલેશસિંહ મંગરોળાએ સમગ્ર ડૉક્ટર ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આવા જાગૃતિ કાર્યક્રમો યુવાનો માટે જીવનદાયી સાબિત થાય છે. સમગ્ર કોલેજ સ્ટાફ પણ આ અવસરે હાજર રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન એન.સી.સી. (NCC) ઓફિસર કેપ્ટન રાહુલ ઠક્કર તથા એન.ટી.એફ (NTF) નોડલ ડૉ. અલ્પેશ સોલંકી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સૌની યાદગાર અનુભૂતિ સાથે પૂર્ણ થયો.