સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાંધાજનક પોસ્ટ કરનાર ઇસમ સામે પોલીસ ફરીયાદ
સ્ટેચ્યુ ઓફ યુનિટી સંપૂર્ણ સુરક્ષિત છે
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટરશ્રી અભિષેક સિન્હાએ SoU સલામતી પોલીસ સ્ટેશનમાં BNS એકટની કલમ ૩૫૩ (૧)(બી) હેઠળ ફરીયાદ નોંધાવી
રાજપીપલા : જુનેદ ખત્રી
ગત તા. ૦૮/૦૯/૨૦૨૪ના રોજ સવારના ૦૯/૫૨ કલાકે Raga For India નામના યુઝરે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વર્ષ ૨૦૧૮નો બાંધકામ સમયનો એક ફોટોગ્રાફ તાજેતરનો ફોટા તરીકે ઉપયોગ કરીને “કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઇ” લખીને પ્રજા અને પ્રવાસીઓમાં ભય ફેલાય અને સુલેહ શાંતી ભગ કરવાનો પ્રયાસ કરેલ હોય આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઇને તાત્કાલીક અસરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓપરેશન અને મેઇટેનન્સ સાથે જોડાયેલ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ(L&T)ના જવાબદારો પાસે આ અંગે વિગતવાર અહેવાલ આપવા સુચના આપેલ.
આ અંગે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ(L&T) ના નિષ્ણાંતોએ પોતાનો અહેવાલ અત્રે રજુ કરેલ હતો જેમાં સ્પષ્ટ જણાવેલ કે, જે તસ્વીર સોશિયલ મિડિયા પોસ્ટમાં પ્રસિધ્ધ કરાયેલ તે તસ્વીર જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચલુ હતુ ત્યારની હતી અને તેનો તાજેતરનું દ્રશ્ય હોવાનાઅ દાવા સાથે Raga For India નામના યુઝરે પ્રસિધ્ધ કરેલ. આ ઉપરાંત પોસ્ટમાં કરાયેલ દાવો કે, “કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઇ” જે સદંતર પ્રવાસીઓ અને ભારતની પ્રજાને ગેરમાર્ગે દોરનાર હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ વેળાએ ભારતના પ્રતિભાશાળી ઇજનેર કર્મયોગીઓએ ખુબ ખંત અને મહેનતથી તમામ તકનિકી પાસાઓ પર કામ કરીને પ્રતિમાને મજબુત બનાવવાનું કામ કર્યુ હતુ જે વાસ્તવમાં બિરદાવવા લાયક કામ છે.વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંપૂર્ણ સુરક્ષિત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે કરાયેલ પોસ્ટ અને અન્ય તમામ પાસાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ એ ગહન અભ્યાસ અને તમામ પાસાઓને ધ્યાને રાખીને કાયદેસરની પોલીસ ફરીયાદ કરવાનું નક્કી કર્યુ
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ ગત મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ સ્ટેશન ખાતે Raga For India નામના યુઝર સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૫૩(૧)(બી) હેઠળ સરકાર તરફે ફરીયાદ દાખલ કરાવેલ છે. આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.ચૌધરી આગલની તપાસ કરી રહ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હોવાની સાથે સાથે સમગ્ર વિશ્વમાં ભરતની દ્રઢતા, એકતા અને દ્રઢ સંકલ્પનું પ્રતિક બન્યુ છે ત્યારે આ પ્રકારની લોકોને ગેરમાર્ગે દોરનાર અને ભય પેદા કરનાર કોઇ પણ ઇસમ જો આવી પ્રવૃતિ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મીડીયા વિભાગ દ્વારા સતત તમામ સોશિયલ મિડીયા એકાઉન્ટ પર રાઉન્ડ ધી કલોક નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરનાર પ્રવૃતિ ને ડામવા માટે SoU તંત્ર કટીબદ્ધ છે.





